ગાંધીનગર ખાતે યોજાનારા ડીફેન્સ એક્સ્પોમાં રાજકોટના કુવાડવા રોડ પરના સાતડા ગામ પાસે આવેલી “રેસ્પિયન એન્ટરપ્રાઈઝ પ્રા.લી.” કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ પટેલને સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે, જે રાજકોટવાસીઓ માટે ગૌરવની બાબત છે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા એશિયાનું સૌથી મોટું અને ભારતનું મહત્વપૂર્ણ ડીફેન્સ એક્ઝિબિશન “ડીફેન્સ એક્સ્પો ૨૦૨૨” “પાથ ટુ પ્રાઈડ”ની થીમ ઉપર તા.૧૮ થી ૨૨ ઓક્ટોબર દરમ્યાન ગાંધીનગર ખાતે યોજાશે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થવાનું છે.
આ પણ વાંચો: PM મોદીએ દિવાળી પહેલા ગુજરાતના લોકોને આપી મેડિકલની મોટી ભેટ
એક ગુજરાતી મહિલા ઉદ્યોગ સાહસિકને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યો
આ એક્સ્પોમાં ૧૩૦૦ થી વધુ પ્રદર્શનકર્તા, ૩૧ વિદેશી સંરક્ષણ મંત્રીઓ સહીત ૭૫થી વધુ દેશોના ૩૦૦૦થી વધુ ડેલીગેટ્સ તથા ૧૨ લાખ કરતા પણ વધુ મુલાકાતીઓ ભાગ લેવાનો અંદાજ છે. જેમાં ગુજરાત પેવેલિયનમાં એક ગુજરાતી મહિલા ઉદ્યોગ સાહસિકને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યો, જે મૂળ રાજકોટનાં છે. સંરક્ષણના સાધનો ઉત્પાદન કરતી ભારતની અને રાજકોટની મહિલા પ્રીતિબેન પટેલ દ્વારા સંપૂર્ણપણે સંચાલિત કંપની “રેસ્પિયન એન્ટરપ્રાઈઝ પ્રા.લી.” ગુજરાત પેવેલિયનમાં પ્રદર્શનકર્તા તરીકે ભાગ લઈ રાજકોટનું ગૌરવ વધારશે. આત્મનિર્ભરતા સાથે દેશના સંરક્ષણમાં મહિલાઓને સામેલ કરવાના નવતર અભિગમ સાથે લિથલ અને નૉન-લિથલ સેગ્મેન્ટનાં નાનાં હથિયારો બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એ હથિયારો આ એક્સ્પોમાં પ્રદર્શિત કરાશે.
કંપની સ્થાનિક કર્મચારીઓને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ
રાજકોટના કુવાડવા રોડ પરના સાતડા ગામ પાસે આવેલી મહિલા સંચાલિત આ કંપનીની ખાસિયત એ છે કે, કંપનીમાં પ્રોડક્શનથી લઈને પેકિંગ સુધીની તમામ કામગીરી માત્ર મહિલાઓ જ કરશે. આ કંપની રીવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, એન્ટી એરક્રાફ્ટ ગન પણ બનાવશે. જે પોલીસ, સી.આર.પી.એફ., એસ.આર.પી.એફ. સૈન્ય, સુરક્ષા એજન્સીઓ સહીત પરવાના ધરાવતા નાગરિકોને કોમર્શિયલ ધોરણે હથિયારો વેચશે. આ અંગે વધુ વિગતો આપતા “રેસ્પિયન એન્ટરપ્રાઈઝ પ્રા.લી.” કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ પટેલએ જણાવ્યું હતું કે, દેશ પ્રત્યેની જવાબદારી માટે મહિલાઓના વલણમાં પરિવર્તન લાવવા રાષ્ટ્રના સંરક્ષણના તમામ પાસાઓમાં મોટા પ્રમાણમાં મહિલાઓની ભાગીદારી તથા યોગદાન હોવું જોઈએ. આ વિચારથી તેમણે ડીફેન્સ કંપની શરૂ કરી. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણ પર આધારિત છે. અમારી કંપની માત્ર મહિલાઓ અને સ્થાનિક કર્મચારીઓને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ વકર્યો, 9 ટ્રસ્ટીઓએ સાગમટે રાજીનામા આપ્યા
કંપની હાલ ટ્રાયલ માટેના હથિયારોનું ઉત્પાદન કરી રહી છે
રાજકોટ ઘણા દાયકાઓથી મશીન-ટુલ્સ અને એન્જિનીયરીંગ ક્ષેત્રે દેશ-વિદેશ માટે હબ બન્યું છે ત્યારે હવે ડીફેન્સ ક્ષેત્રે પણ આગળ વધી યશકલગીમાં નવું પીંછુ ઉમેરશે. અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ હથિયારો જર્મનીના જ ગણાતા, પરંતુ ઉચ્ચ ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજીથી ઘરઆંગણે બનેલા સંરક્ષણના સાધનોથી દેશના નાગરિકોની રક્ષા થઇ શકશે. અને રાજકોટમાં જ બનેલા ઉચ્ચ ગુણવત્તાના હથિયારો “મેડ ઈન રાજકોટ”ની ઓળખથી વિશ્વભરમાં ખ્યાતિ પામશે. સાથે સાથે દેશ આત્મનિર્ભર અને વિશ્વમાં અગ્રેસર બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમની કંપનીએ વર્ષ ૨૦૧૯માં વાઈબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત સરકાર સાથે ૫૦ કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) કર્યા હતા તથા એક આંતરરાષ્ટ્રીય ડીફેન્સ કંપની સાથે ટેક્નોલૉજી ટ્રાન્સફરના સમજૂતી કરાર પણ કર્યા છે. આ કંપની લખનૌ, એરો (AERO) ઇન્ડિયા ૨૦૨૧ બેંગ્લોર, ઈસ્ટ ટેક ૨૦૨૨ કોલકતા, ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં ભાગ લઈ ચુકી છે. ટૂંક સમયમાં રાજકોટ ખાતે ફેક્ટરી કાર્યરત થઈ જશે. કંપની હાલ ટ્રાયલ માટેના હથિયારોનું ઉત્પાદન કરી રહી છે.