18 મે, અમદાવાદ: બહુ ઓછું બને છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મને વિશાળ ફલક મળતું હોય છે. ગઈકાલે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સમંદર આવા જ વિશાળ ફલકમાં બની છે પરંતુ…
કલાકારો: મયુર ચૌહાણ, જગજીતસિંહ વાઢેર, ધર્મેન્દ્ર ગોહિલ, મયુર સોનેજી, ધૈર્ય ઠક્કર, તીર્થ ઠક્કર, રીવા રાચ્છ, નીલેશ પરમાર અને ચેતન ધાણાની
સંગીત: કેદાર ભાર્ગવ
ડાયરેક્ટર: વિશાલ વડા વાળા
રન ટાઈમ: 175 મિનીટ્સ
સમંદરની કથા એકદમ સરળ છે. બે મિત્રો હોય છે અને એ પણ પાક્કા મિત્રો. એકબીજા માટે જીવ આપનારા અને એકબીજા માટે કોઈનો જીવ લઇ લેનારા પણ. આ મિત્રોનું નામ છે ઉદય અને સલમાન. સલમાને ઉદય માટે પોતાના બાપનો પણ જીવ લઇ લીધો હતો. પરંતુ સમય સાથે તેમની મિત્રતાની કસોટી થાય છે. પોરબંદરના ફિશરીઝ માફિયાઓના યુદ્ધમાં આ બંને અને તેમની મિત્રતા ફસાઈ જાય છે અને એક સમયે પાક્કા મિત્રો જાની દુશ્મન બની જાય છે.
આ પ્રકારની કથા આપણે ઘણી ફિલ્મોમાં જોઈ છે તો પછી સમંદર ફિલ્મમાં એવું તે શું છે કે તેને વિશાળ ફલક મળ્યું છે? આ પ્રશ્નનો જવાબ છે ફિલ્મની કથાનું વિસ્તરણ. ફિલ્મમાં મિત્રતા અને દુશ્મની ઉપરાંત રાજકારણ અને માછલીના ધંધામાં રહેલી માફિયાગીરી પણ દેખાડવામાં આવી છે.
આ તમામનું જો યોગ્ય મિશ્રણ કરવામાં આવ્યું હોત તો સમંદરને આ વર્ષની ગુજરાતી બ્લોક બસ્ટર બનતાં કોઈ રોકી શક્યું ન હોત. પરંતુ બદનસીબે ફિલ્મમાં અતિશય લૂપ હોલ્સ છે. બંને ખાસ મિત્રો વચ્ચે દુશ્મની થઇ જવાનું કારણ અત્યંત ક્ષુલ્લક છે. આ ઉપરાંત જે લોકો આ બંનેની દુશ્મનીનો લાભ લે છે એમનું બેકગ્રાઉન્ડ શું છે તેની માવજત કરવામાં આવી હોત તો ફિલ્મ વધુ મજા કરાવત.
આવી સ્ટાર કાસ્ટ મળવી પણ નસીબદારનું કામ છે, પરંતુ એ સ્ટાર કાસ્ટ પોતાનું કામ નથી કરી શકતી નબળી પટકથાને કારણે. મયુર ચૌહાણ, ચેતન ધાણાની અને ધર્મેન્દ્ર ગોહિલ સરીખા કલાકાર હોય તો પછી એ ફિલ્મમાં તડાફડી જ થવી જોઈએ, પરંતુ એવું થતું નથી. આટલા મોટા ગજાના કલાકારોને સંવાદો પણ સાવ સામાન્ય આપવામાં આવ્યા છે.
ફિલ્મના બે સહુથી મોટા પ્લસ પોઈન્ટ્સ છે જેમાંથી એક છે તેનું ટાઈટલ સોંગ જે એનિમલ ફેઈમ બી. પ્રાક દ્વારા ગાવામાં આવ્યું છે. જ્યારે બીજો પ્લસ પોઈન્ટ છે પોરબંદર. ગુજરાતનાં આ કાંઠાના નગરને અને તેના સમંદરને ખૂબ સુંદર રીતે દેખાડવામાં આવ્યું છે.
ઓલ ઇન ઓલ, સમંદરને આખો દરિયો મળ્યો હતો તરવા માટે પણ તે ખાબોચિયું બનીને રહી ગયો એટલું કહી શકાય.