એક તરફ ગરમી ધીમે ધીમે અનુભવ થઈ રહી છે. ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ ફરી એકવાર વાતાવરણમાં બદલાવ લાવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના તથા દક્ષિણ-પૂર્વના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ગરમીનો પારો પણ ઉપર ચઢી રહ્યો છે. રાજ્યમાં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાનનો પારો પણ ઉપર જઈ રહ્યો છે
રાજ્યના હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીએ બે દિવસ અગાઉ રજ્યમાં 4, 5 અને 6 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં દક્ષિણ-પૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભૂજમાં વરસાદ થઈ શકે છે.
છેલ્લા થોડાં દિવસોથી અપર લેવલમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે. આ કારણે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ ત્રણ દિવસ સુધીમાં થવાની આગાહી ડૉ. મનોરમા મોહંતી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદીઓને ગરમીથી રાહત અપાવવા તંત્રનો પ્રયાસ, BRTS-AMTS બસ ડેપો પર મળશે આ સુવિધા
હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર 7મી સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, પોરબંદર, કચ્છમાં 5મીએ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે છઠ્ઠી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદ થવાની સંભાવના છે.
આ તરફ વરસાદની આગાહી સાથે ગરમીનું જોર પણ સતત વધી રહ્યું છે. શુક્રવારે રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન સુરત અને સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન સુરતમાં 23 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ઓખામાં 30 ડિગ્રી નોંધાયું હતું અને સૌથી નીચું લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં 16 ડિગ્રી નોંધાયું હતું. આમ ગરમીનું પ્રમાણ વધતા ડબલ ઋતુનો અંત આવી રહ્યો છે.