ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી NCRના વાતાવરણમાં પલટો : ધૂળની ડમરી ઉડી, વરસાદની આગાહી

Text To Speech

નવી દિલ્હી, 10 મે : આજે શુક્રવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં પલટો આવ્યો હતો જેના કારણે લોકોને ભયંકર ગરમીથી રાહત મળવાની આશા છે. શુક્રવારે મોડી સાંજે દિલ્હી-એનસીઆરમાં જોરદાર પવન અને ધૂળની ડમરીઓ ઉડી હતી. હવામાન વિભાગે પણ ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અને ઝરમર ઝરમર વરસાદની આગાહી કરી છે. જેના કારણે દિલ્હી તરફ આવતી કેટલીક ફ્લાઈટ અન્ય એરપોર્ટ તરફ વાળવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગે હજુ સત્તાવાર જાણકારી મળી નથી.

હળવો વરસાદ અને ઝરમર વરસાદની આગાહી છે

હવામાન વિભાગે માહિતી આપી છે કે સમગ્ર દિલ્હી અને NCR (લોની દેહત, હિંડોન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપરાલા, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લભગઢ સહિત)ના ઘણા ભાગોમાં હળવો વરસાદ પડશે અને ઝરમર વરસાદની અપેક્ષા છે. વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય છે. દિવસ દરમિયાન સાપેક્ષ ભેજનું પ્રમાણ 47 થી 64 ટકા વચ્ચે રહ્યું હતું.

શનિવાર-રવિવારે વરસાદની શક્યતા

વૈજ્ઞાનિક અને પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ‘નવા સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે શુક્રવારે મોડી રાત્રે દિલ્હીમાં ઝરમર વરસાદ પડશે. શનિવાર અને રવિવારે વરસાદની શક્યતા વધુ છે. હવામાન કચેરીએ શનિવારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 39 અને 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

Back to top button