ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યમાં ટેકનોલોજીના માધ્યમથી મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી, ઝડપી અને અસરકાર થઈ : મંત્રી બલવંતસિંહ

  • 36 પ્રકારની મહેસૂલી સેવાઓ થકી જાન્યુઆરી’25 સુધીમાં 2.91 કરોડથી વધુ દસ્તાવેજો ઓનલાઇન જારી કરાયા
  • રાજ્યમાં 2202 ગામડાના 3.60 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ મિલકતધારકોને વિનામૂલ્યે અપાયા
  • મહેસૂલ વિભાગની કુલ રૂા.3259 કરોડથી વધુની અંદાજપત્રિય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

ગાંધીનગર, 18 માર્ચ : રાજ્યમાં મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી, ઝડપી અને અસરકાર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે જરૂરી તમામ નીતિગત તકનીકી અને યોજનાકીય સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે તેમ મહેસૂલ વિભાગ વતી ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે વિધાનસભા ગૃહમાં રાજ્યમાં મહેસૂલી સુધારાઓ અંગે વિગતવાર માહિતી આપી રાજ્યના મહેસૂલ વિભાગની કુલ રૂા. ૩,૨૫૯ કરોડથી વધુની અંદાજપત્રિય માંગણીઓ રજૂ કરી હતી. જે ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

રાજ્યના મહેસૂલ વિભાગની માગણીઓ રજૂ કરતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજયની મહેસૂલી સેવાઓ પારદર્શી, ઝડપી અને અસરકારક બને તે માટે સમયાંતરે જરૂરી નીતિગત, તકનીકી અને યોજનાકીય સુધારાઓ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને અનુરૂપ મહેસૂલી સેવાઓને ઓનલાઇન અને અદ્યતન કરવામાં આવી છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ટેકનોલોજીના માધ્યમથી સુપેરે આગળ વધારી રહ્યા છે.

આ માટે આઇ-ઓરા પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઇ, વારસાઇ નોંધ, હયાતી હકક તેમજ નમૂના-૬, નમૂના ૭/૧ર અને નમૂના ૮/અ ની નકલો, ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ અને સંલગ્ન દસ્તાવેજોની નકલ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકાય છે. આ પ્રકારે અંદાજે ૩૬ પ્રકારની સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે અને જાન્યુઆરી ર૦ર૫ સુધી ર.૯૧ કરોડથી વધુ નકલો ઓનલાઇન જારી કરવામાં આવી છે તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

વધુમાં, આ પોર્ટલ સાથે ઇ-ધરા અને સિટી સરવે ઇન્ફર્મેશન સિસ્ટમના જોડાણથી બિનખેતી બાદ તુરત જ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થઇ જાય છે. જમીનના દસ્તાવેજોની સંવેદનશીલતા અને અગત્યતા દ્યાને રાખીને જૂના રેકર્ડને સ્કેનિંગ કરવાનું આયોજન છે.

રાજ્યમાં મહેસૂલી સુધારાની વાત કરતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે ખેડૂત ખરાઇના પ્રમાણપત્ર માટેની પ્રક્રિયાઓને સરળ બનાવાતાં ૫૫ ટકા જેટલી અરજી ઘટી છે. જ્યારે શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રીમીયમ વસૂલીને શરતફેરની મંજૂરીની પ્રક્રિયા માટે રૂ. પ કરોડ સુધીની સત્તા કલેકટરને આપવામાં આવી છે. તેનાથી બિન ખેતીની પ્રક્રિયા અને પરવાનગીઓ ઝડપી બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અંગેની વિગતો આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જમીન સંપાદન થયા બાદ ચોકકસ સમયમાં જમીન ખરીદ કરી શક્યા ન હોય કે અરજી કરી શક્યા ન હોય તેવા ખેડૂતો તા. ર૯ નવેમ્બર, ર૦ર૪ના ઠરાવ મુજબ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકે છે. જે તે સમયે પ્રિમીયમ વસૂલ્યા વગર આપેલી બિનખેતી પરવાનગીઓને હવે ૧૦ ટકા પ્રિમીયમ સાથે બિન ખેતીની પરવાનગી કરી આપવામાં આવશે.

વધુમાં, તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સી.સી.ટી.વી. અને ઓનલાઇન કનેક્ટિવિટીથી અનધિકૃત અવરજવર ઉપર અંકુશ મૂકી શકાશે અને સિનિયર સરવેયરની ભરતી કરીને દફતરી ખાતાની કામગીરીને વેગ મળશે.

વડાપ્રધાન મોદીના હસ્તે શરુ થયેલી સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ નાગરિકોને મિલકતોના પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે. તેના ઉપર તેઓ બેંક લોન કે ધિરાણ સરળતાથી મેળવી શકે છે. જે અંતર્ગત રાજયના રર૦ર ગામડાંમાં ૩,૬૦,૧૩૪ પ્રોપર્ટીકાર્ડ વિનામૂલ્યે મિલકત ધારકોને અપાયા છે.

રાજયમાં ૩૧૦ સેવા-કેન્દ્રો દ્વારા ૧૪૮ જેટલી સેવાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. જેમાંથી ૪ર સેવાઓનો નિકાલ માત્ર એક જ દિવસ કરવામાં આવે છે. આ જનસેવા કેન્દ્રોને હવે વધુ આધુનિક અને સુવિધાયુકત બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે વાત કરતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે ભારે વરસાદ, પૂર કે વાવાઝોડા સમયે લોકોનાં સ્થળાંતરણ, રેસ્ક્યુ, શેલ્ટર હોમ તેમજ આપત્તિ બાદ પુનઃસ્થાપનની કામગીરીમાં ગુજરાતે માનક સ્થાપિત કર્યુ છે. માનવ મૃત્યુ, અકસ્માત કે અસરગ્રસ્તોને સહાય તેમજ કૃષિ રાહત માટે પણ રાજ્ય સરકારે પોતાની કામગીરી અને જવાબદારી ચોકકસ રીતે નિભાવી છે.

આ જ પ્રકારે, દસ્તાવેજ નોંધણી પ્રક્રિયાને વધુ સરળ, સચોટ અને પારદર્શક કરવા નોંધણી અને સ્ટેમ્પ પ્રભાગ સતત કાર્યરત છે. મિલકત ધારણ કરનાર અને વેચાણ રાખનાર બન્નેના હિતોના રક્ષણ માટે ઇ-કે.વાય.સી. નિયમો અમલી બનાવાયા છે. જે મુજબ, ગરવી વેબ એપ્લીકેશન મારફતે વેચાણ આપનારની ઓળખ કન્સેન્ટ બેઇઝ આધાર ખરાઇથી કરવામાં આવે છે. જેનાથી ફ્રોડ થવાની શકયતાઓ શૂન્ય થશે અને સિવિલ લિટિગેશન થવાની શકયતા પણ ઘટી છે.

રાજયમાં નોંધણી પર ઓછામાં ઓછી સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવતી હોવા છતાં છેલ્લા દાયકામાં સ્ટેમ્પ ડયૂટીની આવકમાં ગુજરાતમાં ચારગણો વધારો થયો છે તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. જે મુજબ ર૦ર૪માં નોંધણી ફીની આવક રૂ. ર૦૬૬.૮૩ કરોડ થઇ છે અને સ્ટેમ્પ ડયૂટીની આવક રૂ. ૧૧૭૬૫.ર૩ કરોડ થઇ છે.

વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા ‘હક કમી’ના લેખ પર વર્તમાન ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડ્યુટીના બદલે હવે ફક્ત રૂ. ૨૦૦ના સ્ટેમ્પ પર હક કમી કરાવી શકાશે. જ્યારે એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર ૦.૨૫ લેખે ભરવાની થતી મહત્તમ રૂ.૨૫,૦૦૦ ડ્યુટી ઘટાડીને રૂ.૫૦૦૦ કરવામાં આવી છે, જેનાથી મધ્યમ વર્ગને હાઉસીંગ લોનમાં ફાયદો થશે. વધુમાં, ઘરે બેઠા ઇ-રજિસ્ટ્રેશનની સુવિધા પણ ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે જેથી કચેરીઓ સુધી જવાની જરૂરિયાત નહીં રહે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો :- ગુજરાતે હંમેશા મીઠા આવકાર સાથે ઉદ્યોગો અને વેપાર સાહસિકોનું સ્વાગત કર્યુ : મંત્રી બલવંતસિંહ રાજપૂત

Back to top button