ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

મહેસુલ વિભાગ: પ્રીમિયમની અનેક ફાઇલો ક્લેક્ટર ઓફિસોમાં અટવાઇ/ ભૂલ કરે એજન્સીઓ દંડ ભરે ખેડૂતો-અરજદારો; જવાબદાર કોણ?

HD ન્યુઝ ડેસ્કઃ  રાજ્યમાં મહેસુલ વિભાગની ટલ્લે ચડાવતી નીતિના કારણે લાખો અરજદારો તેમનું કામ ક્યારે પૂરું થશે તેની રાહ જોઇ રહ્યાં છે. પરંતુ પ્રતિદિવસ એવા નિયમો બનાવવામાં આવી રહ્યાં છે કે લોકોની અરજીઓ પેન્ડિંગ પડી રહેવાનો દર વધી રહ્યો છે. તેની સાથે-સાથે મહેસુલ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારે પોતાની ચરમસીમાને પાર કરી દીધો છે.

જવાબદારી નક્કી કરવામાં આવી નથીઃ મહેસુલ વિભાગના ગૂંચવણભર્યા અને અવનવા નિયમોના કારણે નિર્દોષ લોકો દંડાઈ રહ્યાં છે. હવે કેટલાક નિયમો એવા છે કે, જે લોકોએ પોતાની એનએ કે પ્રીમિયમ માટે અરજી મૂકી હોય તે કોઈ નોંધ આવતા રદ્દ થઈ જાય છે. પરંતુ આ નોંધ કોના ભૂલના કારણે આવે છે તે અંગે કોઈ જ જવાબદારી નક્કી કરવામાં આવી નથી. સર્વેયરોની અનેક ભૂલોના કારણે એનએ અને પ્રીમિયમ કરવા માટે મૂકેલી લાખો ફાઈલો રાજ્યભરની ક્લેક્ટર ઓફિસોમાં અટવાઇ પડી છે.

પ્રીમિયમની અરજી રદ્દ થઇ જાય છેઃ ઉલ્લેખનિય છે કે, એનએ/પ્રીમિયમની અરજી કર્યા પછી ડીઆઈએલઆરનો અભિપ્રાય લેવામાં આવે છે, ત્યારે તેની માપણી કરવામાં આવે ત્યારે સર્વેયરો દ્વારા કરવામાં આવેલી ભૂલ સામે આવે છે. તેથી ભૂલ સામે આવતા તેને સુધારવામાં આવે ત્યારે નોંધ (કેજેપી) પડે છે. આ નોંધ પડતા જ એનએ અને પ્રીમિયમની અરજી રદ્દ થઇ જાય છે. તેથી અરજદારોને ડબલ પ્રીમિયમ ભરવા માટે મજબૂર બની જાય છે.

ફાઇલો અટકેલી પડીઃ અરજદારની અરજીમાં ડીઆઈએલઆરો દ્વારા નોંધ પાડવાના કારણે અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં પ્રીમિયમ અને એનએની ફાઇલો અટકેલી પડી છે. જેને સરકાર ઉપર પણ બોજો વધારી દીધો છે. ભૂલ કરે અધિકારી અને દંડાય ખેડૂત-અરજદાર તેવી સ્થિતિ ઉદ્દભવી છે. તેથી પણ એક સ્ટેપ આગળની વાત કરીએ તો જે એજન્સી ભૂલો કરે છે, તેની કોઈ જ જવાબદારી નક્કી કરાઇ નથી. તેની ભૂલોની ચૂકવણી ખેડૂતો સહિત અન્ય લાખો અરજદારો કરી રહ્યાં છે, જેમાં સરકારે ઝડપીમાં ઝડપી સુધારા કરવા જરૂરી છે. એજન્સીઓની જવાબદારી નક્કી કરવી પણ જરૂરી છે.

આ પણ વાંચોઃ મહેસુલ વિભાગના અધિકારીઓની કાયદાકીય ગૂંચવણ; ખેડૂત પોતે જ લઈ શકતો નથી “ખેડૂત પ્રમાણપત્ર

અરજદારોની અરજીઓ ઘણા સમયથી પેન્ડીંગઃ આ પ્રશ્ન સિવાય અન્ય એક પ્રશ્ન તે પણ ઉભો થઇ રહ્યો છે કે, જે ખેડૂતો અને અરજદારોની અરજીઓ ઘણા સમયથી પેન્ડીંગ પડી છે, તેમને શું નવા જંત્રી પ્રમાણે પ્રીમિયમની ચૂકવણી કરવી પડશે? કેમ કે, એવી લાખો અરજીઓ છે, જેઓ નવી જંત્રીની જાહેરાત થઇ તે પહેલા કરેલી છે અને તે પેન્ડીંગ પડી રહેલી છે અથવા મહેસુલ ખાતાએ નિકાલ કરવાની જહેમત ઉઠાવી નથી. તેવા કિસ્સામાં પણ ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે પ્રીમિયમ ભરવા પડે તો તેમના સાથે અન્યાય ગણાશે. કેમ કે એજન્સીઓ અને ડીએલઆરઓની ખરાબ કામગીરીના કારણે અરજદારોનું કામ અટકી પડ્યું તેમાં તેમનો શું દોષ? આ બાબતે પણ સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી કરવી પડે? દરેક વખત અરજદારને દંડવો અયોગ્ય ગણાશે.

સરકારને જ મોટું નુકશાન ઉઠાવવું પડી શકેઃ એક નહીં પરંતુ અનેક બાબતોમાં અધિકારીઓ અને ખાનગી એજન્સીઓની જવાબદારી નક્કી કરવી જરૂરી છે. જો તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં સરકારને જ મોટું નુકશાન ઉઠાવવું પડી શકે છે. કેમ કે, મહેસુલ ખાતાના અધિકારીઓ અને ખાનગી કંપનીઓના સર્વેયરોની મીલિભગતથી ચાલતા ભ્રષ્ટાચારના કારણે સરકારની તિજોરીને નુકશાન થશે. તે ઉપરાંત સરકારની શાખ પણ ખરાબ થશે, જેની અસર ચૂંટણી દરમિયાન મતદાન સુધીમાં થઈ શકે છે.

દૂરદ્રષ્ટિ મરીપરવારી છે કે જાણી-જોઇને પકડ્યો છે ભ્રષ્ટાચારનો માર્ગઃ મહેસુલ વિભાગના દૂરદ્રષ્ટિ વગરના નિર્ણયોના કારણે લાખો અરજદારોનો સમય અને પૈસાનો તો બગાડ થાય જ છે પરંતુ તેની સાથે-સાથે તેમનું કામ યોગ્ય સમયે ન થતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસુલ વિભાગના રઢિયાળા કામના લીધે ખેડૂતો અને અન્ય અરજદારોની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થઈ ગયો છે. જમીન-લે વેચની તો વાત છોડો પરંતુ ખેડૂતોની પોતાની જમીન બીજાના નામે બોલી રહી છે. તેવામાં ખેડૂતો પોતે ચિંતિત થઇ ઉઠ્યા છે કે, હવે મારી જમીનને મારા સર્વેમાં લાવવા શું કરવું?

સર્વેની કામગીરી સોંપી હતીઃ જણાવી દઇએ કે, આ બધી પ્રોબ્લમ પ્રાઇવેટ સર્વેયરોના હાથમાં કામગીરી આવી ત્યાર પછી જ ઉભી થઈ. સરકારે ખેડૂતોનું ભારણ ઓછું કરવા અને કોર્ટ-કચેરીઓના આંટા-ફેરા ઓછા કરવા માટે પ્રાઇવેટ સર્વેયરોને સર્વેની કામગીરી સોંપી હતી. આ કામગીરી પછી ખેડૂતોને પોતાની જમીનની માપણી અને સર્વેને લઈને નિશ્ચિત થઇ જવાનું હતું પરંતુ બન્યું કંઇક ઉંધુ. સર્વેયરોએ એવો સર્વે કર્યો કે, મોટાભાગના ખેડૂતોની જમીનની માપણી અને સર્વે ભૂલભરેલા કર્યા. ઉલ્લેખનિય છે કે, જ્યારે સરકારે ખાનગી કંપનીઓને સર્વેની કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો હતો ત્યારે જણાવવામાં આવ્યું હતું કે, આધુનિક રીતે સર્વે કરવામાં આવશે, જેથી ગ્રાઉન્ડ લેવલે રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે.

પૈસા પડાવવાનો બધો ખેલ શરૂ થયોઃ પરંતુ આ સર્વેના પરિણામ પછી ખેડૂતો ચિંતામાં આવી ગયા કે, તેમની જમીન બીજાના નામે અને બીજાની જમીન તેમના નામે દેખાઇ રહી છે. હવે અહીંથી અધિકારીઓનો પૈસા પડાવવાનો બધો ખેલ શરૂ થયો. આ ખેલમાં અધિકારીઓ એટલા એક્સપર્ટ બની ગયા કે, એસએલઆર, સર્વેયરો, ડીઆઈએલઆર તમામ અધિકારીઓ ઉપર પૈસાનો વરસાદ થઇ ગયો. તેઓ ટૂંક જ સમયમાં આવક કરતાં અનેક ઘણી સંપત્તિના માલિક બની જ ગયા છે. લાખો અરજીઓ પેન્ડીંગ છે, પૈસા આપો અને કામ કરવોની નીતિનો પ્રારંભ થઇ ગયો છે. સુધારાના ઓર્ડરની નોંધ પણ પૈસા વગર પાડતા નથી. તે માટે ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓને તેમના ઉપર છોડી મૂકવી જોઇએ તો જ ચોંકાવનારા સમાચાર સામે આવી શકે છે.

વાંક વગર અરજદારો અને ખેડૂતો દંડાઇ રહ્યાં છેઃ હવે બન્યું એમ કે, સર્વેયરોની ભૂલ પછી એક વખત પછી ખેડૂતોને સર્વે કરાવવાની ફરજ પડી. તેથી તેમને પૈસા ભરીને ફરીથી અરજી કરી. પરંતુ સર્વેયરોએ એટલા મોટા પાયે ભૂલો કરી હતી કે, લાખોની સંખ્યામાં રિ-સર્વેની અરજીઓ આવી ગઈ. તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ થયું. જે પૈસા આપે તેનું રિ-સર્વે પહેલા કરી આપવાનું પરંતુ રિ-સર્વેમાં પણ ભૂલ રહે તેની જવાબદારી કોઈના માથે નહીં. આમ ખેડૂતોએ જીવનભર પોતાની જમીનને સાચવવા માટે અધિકારીઓના ખિસ્સા ભર્યા જ રાખવાના.. ખેડૂતોની અનેક અરજીઓના કારણે અનેક અરજીઓ તો બે-બે વર્ષ સુધી પેન્ડિંગ રહે છે. તે છતાં તેનો નિકાલ થતો નથી. આ પણ એક પ્રશ્ન છે કે, ખેડૂતની અરજી કેમ બે વર્ષ સુધી ટેબલ પર જ ધૂળ ખાય છે? કેમ કે તેને વ્યવહાર કરેલો હોતો નથી. આમ એજન્સીઓના કારણે ખેડૂતોનો મરો થયો.

ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, સર્વેની કામગીરીનો કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓએ વિરોધ કર્યો છે.

રાજ્ય સરકારે મહેસુલ વિભાગ માટે એક સરળ સિસ્ટમ તૈયાર કરવી જોઇએ, જેથી કરીને સરકાર પર વધી રહેલા બોજાને ઓછો કરવા સહિત અધિકારીઓના વધી રહેલી ભ્રષ્ટાચાર પર બ્રેક લાગી શકે. મહત્વપૂર્ણ બાબત તે છે કે, અરજદારોની ફાઇલો અટકાવવા પાછળ સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર છે અને તે પછી મહેસુલ વિભાગ દ્વારા બનાવેલા વિશિષ્ટ પ્રકારના નિર્ણયોની ભૂમિકા ભજવી રહ્યું છે. પ્રશ્ન તે પણ છે કે મહેસુલ વિભાગની થર્ડ ક્લાસ કામગીરી માટે જવાબદાર કોણ?

આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લામાં સર્વેનો આરંભ, વિકસિત વિસ્તારોમાં જંત્રીના ભાવો વધશે!

Back to top button