રાજકોટના પડધરીમાં એક માનસીક અસ્થિર સગીર રખડતી હાલતમાં મળી આવ્યો હતો. જેને કલેક્ટર દ્વારા તેના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
ટ્રેન મારફત વતનથી પડધરી પહોંચી ગયો હતો
મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના પડધરીમાં પોલીસને રખડતી ભટકતી હાલતમાં આ માનસિક અસ્થીર કિશોર મળી આવ્યો હતો. બાળકની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું ગામ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના છાવની તાલુકાના નદરઇ હોવાનું અને ટ્રેન મારફત પડધરી આવ્યો હોવાનું જણાવ્યું હતું.
કલેક્ટર અને સુરક્ષા અધિકારીએ પરિવારજનોની શોધખોળ કરવા માર્ગદર્શન આપ્યું
દરમ્યાન જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એન. ગોસ્વામીને આ માનસિક અસ્થિર કિશોર મળી આવ્યાની જાણ થતા જ કિશોરના વાલીવારસ શોધવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકને સરકારી બાળગૃહ ખાતે કાળજી અને રક્ષણ હેઠળ રાખવામાં આવ્યું હતું.
કિશોર ગુમ થતા ચિંતાતુર બનેલા પરિવારે તેની શોધખોળ આરંભી
જ્યારે કિશોરના વતનમાં કિશોર ગુમ થતા ચિંતાતુર બનેલા પરિવારે તેની શોધખોળ આરંભી હતી. તેવા સમયે પડધરી પોલીસ દ્વારા અને સંસ્થાના સ્ટાફ દ્વારા સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરતા કિશોરના વાલીવારસ મળી આવ્યા હતા. જેનો ટેલિફોનિક સંપર્ક કરી કિશોર વિશે જાણકારી આપી કિશોર સહી સલામત અને રાજકોટ બાળ ગૃહ ખાતે હોવાની માહિતી આપવામાં આવી હતી. આથી ચિંતાતુર બનેલા પરિવારે રાહત અનુભવી હતી. સંસ્થા દ્વારા કિશોર રાજકોટ બાળ ગૃહ ખાતે હોવાની જાણ થતા તુરંત જ તેને લેવા માટે તેના પિતા આવેલ અને બાળકને સહી સલામત અને હેમખેમ જોઇને આનંદ અને હર્ષની લાગણી અનુભવી હતી.