નેશનલ

નિવૃત્ત IAS અધિકારી અરુણ ગોયલને ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Text To Speech

નિવૃત્ત IAS અધિકારી અરુણ ગોયલને શનિવારે ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગોયલ 1985 બેચના પંજાબ કેડરના અધિકારી રહી ચૂક્યા છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પંચનો ભાગ હશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે ગોયલની નિમણૂક અંગે માહિતી આપી હતી. સુશીલ ચંદ્રા મે મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા હતા. તેમની જગ્યાએ રાજીવ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે.

શા માટે રાજીનામાની ચર્ચા હતી

અરુણ ગોયલ 31 ડિસેમ્બર 2022 ના રોજ ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમણે 18 નવેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું. આ અંગે નોકરિયાત વર્ગમાં ભારે ચર્ચા જાગી હતી. ગોયલે ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ બનતા પહેલા સંસ્કૃતિ મંત્રાલયના સચિવનું પદ પણ સંભાળ્યું છે. તેઓ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

ગુજરાતની ચૂંટણી વચ્ચે નિમણૂક

આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે અરુણ ગોયલને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની 182 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

આ પણ વાંચો : PM મોદી ગુજરાત પ્રવાસે, કરશે ધૂંઆધાર પ્રચાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Back to top button