ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મધ્યમવર્ગને ઝટકો, છૂટક મોંઘવારી 14 મહિનાની ટોચે પહોંચી

નવી દિલ્હી, 12 નવેમ્બર : દેશમાં મોંઘવારી ફરી એકવાર પાંખો ફેલાવવા લાગી છે.  ઓક્ટોબર મહિનામાં દેશના છૂટક ફુગાવાના આંકડા ફરી એકવાર વધીને 14 મહિનાની ટોચે પહોંચી ગયા છે. સપ્ટેમ્બરની સરખામણીમાં રિટેલ ફુગાવાના આંકડામાં 0.72 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ દેશમાં રિટેલ મોંઘવારી RBIના સહનશીલતા સ્તર 6 ટકાની ઉપર પહોંચી ગઈ છે. રિટેલ ફુગાવાના આંકડા સપ્ટેમ્બર મહિનામાં 9 મહિનાના ઉચ્ચ સ્તરે હતા, જે ઓક્ટોબર મહિનામાં 14 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. નિષ્ણાતોનું માનીએ તો નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના આંકડામાં થોડો ઘટાડો થઈ શકે છે.

છૂટક ફુગાવો 14 મહિનાની ટોચે

ભારતનો છૂટક ફુગાવો ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે વધીને 6.21 ટકા થયો છે, જે ગયા મહિને 5.49 ટકા હતો.  આ સતત ત્રીજો મહિનો છે જ્યારે દેશના છૂટક ફુગાવાના આંકડામાં વધારો જોવા મળ્યો છે. છૂટક મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ફુગાવામાં વધારો હોવાનું માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે રિટેલ મોંઘવારી દર 14 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, જે આરબીઆઈના 6 ટકાના સહનશીલતા સ્તરથી વધુ છે.  છેલ્લી વખત ફુગાવાનો દર ઓગસ્ટ 2023માં આ સ્તરે જોવા મળ્યો હતો. મંગળવારે સરકારી આંકડા અનુસાર, ભારતનો રિટેલ ફુગાવો એક વર્ષ અગાઉના સમયગાળામાં 4.87 ટકા હતો.

ખાદ્ય ફુગાવો 10 ટકાની નજીક

જો ખાદ્ય મોંઘવારી દરની વાત કરીએ તો ઓક્ટોબરમાં તે વધીને 9.69 ટકા થઈ ગયો, જે અગાઉના મહિનામાં 9.24 ટકા હતો. ખાદ્ય ફુગાવો કુલ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) બાસ્કેટમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે. ગ્રામીણ ફુગાવો પણ વધીને 6.68 ટકા થયો છે, જે સપ્ટેમ્બરમાં 5.87 ટકા હતો, જ્યારે શહેરી ફુગાવો ગયા મહિને 5.05 ટકાથી વધીને 5.62 ટકા થયો હતો. રોઇટર્સના સર્વેક્ષણમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ઓક્ટોબરમાં ભારતનો મોંઘવારી દર 6 ટકાની નજીક પહોંચી જશે, તે 5.81 ટકા રહેવાનો અંદાજ છે. જો કે, યુબીએસે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) વધીને 6.15 ટકા થવાની અપેક્ષા રાખી હતી, જે આરબીઆઈના 6 ટકાના સહનશીલતા સ્તરથી ઉપર હશે.

ડુંગળીના ભાવમાં જબરદસ્ત વધારો

રસોડાની વસ્તુઓ ખાસ કરીને ડુંગળીના ભાવમાં વધારો ચિંતાજનક છે. જથ્થાબંધ ડુંગળીના ભાવ 40-60 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 70-80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે, કેટલાક વિસ્તારોમાં 8 નવેમ્બર સુધીમાં ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ઑક્ટોબરમાં ઇંધણ અને પ્રકાશનો ફુગાવો (-) 1.61 ટકા હતો, જ્યારે અગાઉના મહિનામાં તેમાં 1.31 ટકાનો ઘટાડો થયો હતો.  હાઉસિંગ ફુગાવો ઓક્ટોબરમાં વધીને 2.81 ટકા થયો હતો, જે સપ્ટેમ્બરમાં 2.78 ટકા હતો. ગયા મહિને કપડાં અને શૂઝનો મોંઘવારી દર 2.70 ટકા હતો.

આ પણ વાંચો :- શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ તૂટ્યા

Back to top button