

ડિસેમ્બર મહિનામાં પણ છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. ડિસેમ્બર 2022માં છૂટક મોંઘવારી દર ઘટીને 5.72 ટકા પર આવી ગયો છે, જે નવેમ્બરમાં 5.88 ટકા હતો. ડિસેમ્બર 2022માં છૂટક ફુગાવો ભલે નીચે આવ્યો હોય, પરંતુ તે હજુ પણ ડિસેમ્બર 2021 કરતાં વધુ છે જ્યારે છૂટક ફુગાવો 5.66 ટકા હતો.

ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર નીચે આવ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવાનો દર ડિસેમ્બર મહિનામાં ઘટીને 4.19 ટકા પર આવી ગયો, જે નવેમ્બર 2022માં 4.67 ટકા હતો. જ્યારે ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવાનો દર 7.01 ટકા હતો. તે જ સમયે, ડિસેમ્બર મહિનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઘટાડો થયો છે.
ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો ડિસેમ્બર મહિનામાં 5.05 ટકા રહ્યો છે જે નવેમ્બરમાં 5.22 ટકા હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવાનો દર 2.80 ટકા રહ્યો છે જે નવેમ્બરમાં 3.69 ટકા હતો. લીલોતરી અને શાકભાજીનો મોંઘવારી દર ઘટીને 15.08 ટકા થયો છે. તો ફળોનો મોંઘવારી દર 2 ટકા રહ્યો છે. દૂધ અને ડેરી ઉત્પાદનોનો ફુગાવાનો દર 8.51 ટકા, ઈંડાનો ફુગાવાનો દર 6.91 ટકા અને મસાલાનો ફુગાવાનો દર 20.35 ટકા રહ્યો છે.