છેડતીના આરોપો બાદ હરિયાણાના ખેલ મંત્રીનું રાજીનામું : જાણો શું છે સમગ્ર મામલો?
હરિયાણાના ખેલ મંત્રી અને ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહે જાતીય સતામણીના આરોપો બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સંદીપ સિંહ પર જુનિયર મહિલા કોચ દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો, તેથી આજે તેમણે પોતાનું રાજીનામું રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને સોંપ્યું હતું. બીજી તરફ ડીજીપી દ્વારા ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, જે આ મામલાની તપાસ કરી રહી છે. જો કે સંદીપ સિંહે મહિલા કોચના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે જાણીજોઈને તેમની ઈમેજને કલંકિત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : હોકી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત : હરમનપ્રીતને મળી ટીમની કમાન
#WATCH | Haryana minister Sandeep Singh says he is handing over the responsibility of the Sports department to the CM, after allegations of sexual harassment levelled against Singh by a female coach. pic.twitter.com/0SyGFefyCL
— ANI (@ANI) January 1, 2023
સંદીપ સિંહે શું કહ્યું ?
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા સંદીપ સિંહે કહ્યું કે, તેમની ઈમેજ જાણીજોઈને ખરાબ કરવામાં આવી રહી છે. મને આશા છે કે મારા પર લગાવવામાં આવેલા ખોટા આરોપોની સંપૂર્ણ તપાસ થશે. તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી હું રમતગમત વિભાગની જવાબદારી મુખ્યમંત્રીને સોંપું છું. બીજી તરફ, મહિલા કોચ આ મામલાની યોગ્ય તપાસ કરાવવા માટે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજને અંબાલામાં મળ્યા હતા. આ દરમિયાન પીડિતાએ ગૃહમંત્રીને પોતાની સાથે થયેલા અન્યાયો વિશે વાત કરી હતી.
શું છે સમગ્ર મામલો?
જુનિયર મહિલા કોચે આરોપ લગાવ્યો કે 2016ના રિયો ઓલિમ્પિક બાદ સંદીપ સિંહે તેને ઈન્સ્ટાગ્રામ પર ખોટા મેસેજ મોકલ્યા હતા. મહિલાએ એમ પણ કહ્યું કે થોડા સમય પહેલા સંદીપે તેને પોતાની ઓફિસમાં બોલાવી હતી અને કહ્યું હતું કે,’તું મને ખુશ રાખ, હું તને ખુશ રાખીશ.’ મહિલાના કહેવા પ્રમાણે, રમત મંત્રી સંદીપ સિંહે પણ તેની છેડતી કરી હતી. પરંતુ કોઈક રીતે તે પોતાની જાતને બચાવીને ત્યાંથી બહાર આવી ગઈ હતી. મહિલાએ કહ્યું કે આ પછી તેની બદલી થઈ ગઈ અને તેને હેરાન પણ કરવામાં આવી. જ્યારે ખેલ મંત્રીનું કહેવું છે કે તેમને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યા છે.