મહાશિવરાત્રીથી વડોદરાવાસીઓ સુવર્ણ જડિત મહાદેવનો લ્હાવો લઈ શકશે, જાણો શું છે વિશેષતા
વડોદરાના સુરસાગર સ્થિત મહાદેવની સોનેરી મૂર્તિ દર્શન ભક્તો માટે આજથી ખુલ્લા મૂકવામા આવી છે. સુરસાગર સ્થિત બિરાજમાન સુવર્ણ મઢીત શિવજીના દર્શન કરવાની શિવભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. મહાશિવરાત્રીના આ પર્વ પર વડોદરાના સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવના દર્શન કરવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરસાગર તળાવની મધ્યમાં સ્થાપિત રાજસ્થાનના લાલ પથ્થરોથી બનાવેલ 111 ફૂટની ભગવાન શિવજીની પ્રતિમાને સુવર્ણથી મઢવાનું ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયું હતું જે હવે પૂર્ણ થઈ ગયું છે. જેથી મહાશિવરાત્રીના દિવસે વિધિવત રીતે તેનું અનાવરણ કરવામાં આવનાર છે.
મહાશિવરાત્રી પહેલા મૂર્તિ પરથી કાપડનું આવરણ દૂર કરાયું
વડોદરાના સુરસાગરની મધ્યમાં આવેલ સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું છે. જેથી શિવરાત્રીના દિવસે વિધિવત રીતે તેનું અનાવરણ થવાનું છે. ત્યારે મહાશિવરાત્રી પહેલા આજે શિવજીની પ્રતિમા પરનું આવરણ હટાવી દેવામાં આવ્યું હતું. જેથી શિવભક્તોને સુવર્ણ જડિત ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવના દર્શનનો લ્હાવો મળ્યો હતો. અને અહી શિવજીની આ મૂર્તીના દર્શન કરવા માટે શહેરીજનો ઉમટી પડ્યા હતા.
સુવર્ણ જડિત મહાદેવના દર્શન કરવા લોકો ઉમટ્યા
વડોદરાના સુરસાગરમાં 111 ફુટના સર્વેશ્વર મહાદેવની સોના મઢીત પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ત્યારે શિવભક્તો આ મૂર્તીના દર્શન કરવા માટે ઘણા સમયથી આતુર હતા ત્યારે આજે મહાશિવરાત્રી પહેલા જ આ મૂર્તિ પરથી કાપડનું આવરણ દૂર કરતા લોકોને સુવર્ણ જડિત મહાદેવના દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે.
જાણો શું છે તેની વિશેષતા
- ચંદન તલાવડીના જૂના નામથી ઓળખાતું અને 18મી સદીમાં બનેલા સુરસાગરમાં સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા 1995માં 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ કર્યું હતું.
- વડોદરાના સુરસાગર તળાવ સ્થિત ભગવાન શિવ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની વિશાળ મૂર્તિને સુવર્ણ જડિત કરવામાં આવી છે.
- આ પ્રતિમાને 12 કરોડના ખર્ચે 17.5 કિલોગ્રામ સોનું ચઢાવામાં આવ્યું છે.
- ધારાસભ્ય યોગેશ પટેલ અને તેમના ટ્રસ્ટે શિવજીની આ 111 ફૂટની વિશાળ મૂર્તિ પર સોનાનો ઢોળ ચઢાવ્યો છે.
- સોનાના કોટિંગ માટે, પ્રતિમાને પ્રથમ રસાયણોથી સાફ કરવામાં આવી હતી અને ઝીંકથી પ્લેટેડ કરવામાં આવી હતી. ત્યાર પછી તેના પર તાંબાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેના પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો.
- વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન પ્રતિમા કોઈ પણ દિશામાં 8થી 10 ઈંચ ઝૂકે તો પણ તેને કોઈ આંચ ન આવે તેવી રીતે ડિઝાઇન કરાઈ છે.
આ પણ વાંચો : ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ નામ બદલવાનો મામલો, એકનું નામ બદલવા મંજૂરી, બીજા અંગે કોઈ નિર્ણય નહીં
મહાશિવરાત્રીનો કાર્યક્રમ
મહાશિવરાત્રીના દિવસે અહીં મહાઆરતી સાથે અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહેશે. અહી શિવરાત્રીએ દર વર્ષની પરંપરાની જેમ શિવજી કી સવારી પણ નિકળશે. જેમાં ભગવાન શિવ પરિવાર સાથે વડોદરા શહેરની નગરચર્યા કરવા નિકળશે . અને શિવજી કી સવારી વાડી પ્રતાપનગરથી નીકળી ન્યાયમંદિર થઈ સુરસાગર પહોંચશે. આ સાથે શિવરાત્રીએ સાંજે 7 કલાકે સુરસાગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શિવજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રિએ વડોદરાવાસીઓને સોનેરી મહાદેવની મૂર્તિ અર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રીએ સુરસાગર સ્થિત સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું અનાવરણ કરશે.