પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી
પાલનપુર : વિધાનસભા ચૂંટણી જંગને લઈને રાજકીય પક્ષના ઉમેદવારો પ્રચારમાં લાગ્યા છે. ત્યારે પાલનપુરના બ્રિજેશ્વર કોલોનીમાં વર્ષો જૂની રોડની સમસ્યાને લઈને સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કરતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો : બાળકોને ભુલથી પણ આ વસ્તુઓ ખાવા આપી, તો લગાવવા પડશે ડોક્ટરના ચક્કર
રોડ નહિ તો વોટ નહિ નો નારો ગુંજતો કરી વિરોધ દર્શાવ્યો
પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોનીમાં ગલી નંબર ત્રણમાં રોડની સમસ્યાને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બ્રિજેશ્વર કોલોનીની ગલી નંબર 1, 2 અને 4 માં રોડ બની ગયો છે. પરંતુ રોડ નંબર 3 માં રોડ બન્યો નથી. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેન હર્ષાબેન મહેશ્વરીના જુના વોર્ડમાં લોકો રોડની સમસ્યાથી ત્રસ્ત છે. છતાં તેઓ મૂંગા મોઢે તમાશો જોતા હોઈ અકળાયેલા લોકોએ આજે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરતા “રોડ નહિ તો વોટ નહિ” નો નારો ગુંજતો કર્યો હતો.
બ્રિજેશ્વર કોલોનીના રહીશોએ ગતરાત્રે મિટિંગ કરી રોડ નહિ તો વોટ નહિ ના નારા સાથે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. ત્યારે ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં ચૂંટણી બહિષ્કારના એલાનથી ભાજપમાં સોપો પડી ગયો છે.