- સાર્વત્રિક વરસાદ વચ્ચે 207 જળાશયોમાંથી 22 ડેમ સંપૂર્ણ છલકાયા
- સૌરાષ્ટ્રના 141 જળાશયમાંથી 15 ઓવરફ્લો થયા છે
- જામનગરમાં 50 ટકા અને જુનાગઢમાં 73 ટકા પાણીનો જીવંત સંગ્રહ
ગુજરાતમાં ભારે વરસાદથી જળાશયો હાઈએલર્ટ પર છે. જેમાં વરસાદ વચ્ચે ગુજરાતના 60 જળાશય હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ મોડ પર છે. તેમજ સૌરાષ્ટ્રના 15 સહિત કુલ 22 જળાશય સંપૂર્ણ છલકાયા છે. તથા સરદાર સરોવર સહિત 207 જળાશયમાં 46.57 ટકા જળસંગ્રહ છે.
સાર્વત્રિક વરસાદ વચ્ચે 207 જળાશયોમાંથી 22 ડેમ સંપૂર્ણ છલકાયા
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે 207 જળાશયોમાંથી 22 ડેમ સંપૂર્ણ છલકાયા છે, રવિવારની સ્થિતિએ ગુજરાતમાં 60 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ ઉપર છે, આ 60 જળાશયો પૈકી 90 ટકાથી વધુ પાણી ભરાયું હોય તેવા 30 જળાશયો પર હાઈએલર્ટ છે જ્યારે 13 જળાશય એવા છે જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણી હોઈ એલર્ટ અપાયું છે. એ જ રીતે 70થી 80 ટકા વચ્ચે જળસંગ્રહ થયો છે તેવા 17 જળાશય છે જ્યાં વોર્નિંગ અપાઈ છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 જળાશયોમાં હાલમાં 46.57 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યા ખાબકશે મેઘો
સૌરાષ્ટ્રના 141 જળાશયમાંથી 15 ઓવરફ્લો થયા છે
રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કુલ 22 જળાશય ઓવરફ્લો થયા છે, જે પૈકી સૌરાષ્ટ્રના 141 જળાશયમાંથી 15 ઓવરફ્લો થયા છે એટલે કે સંપૂર્ણ છલકાયા છે. એ જ રીતે કચ્છના 20 જળાશયમાંથી 6 જળાશય અને દક્ષિણ ગુજરાતમાં એક જળાશય ઓવર ફ્લો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એકેય જળાશય હજુ સંપૂર્ણ છલકાયા નથી. કચ્છના 20 ડેમોમાં 61.03 ટકા પાણીનો સંગ્રહ થયો છે, સરદાર સરોવર ડેમમાં 57.52 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
જામનગરમાં 50 ટકા અને જુનાગઢમાં 73 ટકા પાણીનો જીવંત સંગ્રહ
સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 53.16 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 51.70 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 29.83 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 35.40 ટકા પાણીનો સંગ્રહ થયો છે. વરસાદના કારણે જળાશયોમાં વાપરવા લાયક પાણીનો જીવંત સંગ્રહ વધ્યો છે, દર વખતે કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થતી નથી, આ વખતે કચ્છ જિલ્લામાં 57.02 ટકા જીવંત સંગ્રહ છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતના ભરૂચમાં 27 ટકા, નર્મદા જિલ્લામાં 39 ટકા, નવસારી જિલ્લામાં 41 ટકા, તાપીમાં 28 ટકા અને વલસાડ જિલ્લામાં 31 ટકા પાણીનો જીવંત સંગ્રહ છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં 76.82 ટકા, ભાવનગર જિલ્લામાં 55 ટકા, બોટાદમાં 45 ટકા, ગીર સોમનાથમાં 85 ટકા, જામનગરમાં 50 ટકા અને જુનાગઢમાં 73 ટકા પાણીનો જીવંત સંગ્રહ થયો છે.