અમદાવાદકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઉનાળાના આરંભે જળાશયોમાં પાણી ખૂટ્યુ, માત્ર 6 ડેમમાં 90 ટકા પાણી

અમદાવાદ, 13 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ થયો છે. શિયાળાની સિઝનમાં જળાશયોમાં પાણીનો ભરપુર જથ્થો હતો. હવે આગામી સમયમાં ઉનાળાની ઋતુ શરૂ થશે. ત્યારે રાજ્યમાં આ વખતનો ઉનાળો આકરો રહે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં 207 જળાશયોમાં માત્ર 70 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે. આગામી સમયમાં પાણીની અછત ઉભી થવાની સંભાવનાઓ વચ્ચે ખેડૂતોને સિંચાઈ માટેના પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં 207 જળાશયોમાથી માત્ર 6 જળાશયો એવા છે જેમાં 90 ટકા જેટલું પાણી છે.

રાજ્યના 206 જળાશયોમાં 69.71 ટકા પાણી બચ્યું
ઉત્તર ગુજરાતમાં આ વખતે 100 ટકા વરસાદ થયો છે પરંતુ અહીંના 15 જળાશયોમાં માત્ર 50 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 75.45 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સારો થતાં જળાશયો છલકાયાં હતાં પરંતુ હાલમાં સ્થિતિ જોઈએ તો અહીંના 13 જળાશયોમાં 76.50 ટકા પાણીનો જથ્થો છે. તે ઉપરાંત કચ્છમાં 164 ટકા વરસાદ થયો હતો પરંતુ હાલમાં ત્યાંના 20 જળાશયોમાં 41 ટકા જ પાણી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં 128 ટકા વરસાદ નોંધાયો હતો પણ 141 જળાશયોમાં હાલમાં 44.21 ટકા જ પાણી બચ્યું છે. સરદાર સરોવરમાં હાલ 73.90 ટકા પાણી છે. રાજ્યના 206 જળાશયોમાં 69.71 ટકા પાણી બચ્યું છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે તંગી વર્તાઈ શકે
આ વખતે સારો વરસાદ થયો હોવા છતાં પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની ભારે તકલીફ થાય તેવા એંધાણ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં બિપરજોય બાદ જળાશયો છલોછલ ભરાયા હતાં પણ ત્યાં હાલ પાણીનો જથ્થો ખૂબજ ઓછો છે. આગામી સમયમાં ગરમી શરૂ થશે તો જળાશયો સુકાવાની પ્રબળ શક્યતાઓ છે. ત્યારે ઉનાળુ પાકને મોટુ નુકસાન થાય તેવી ચર્ચાઓ ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતોમાં થઈ રહી છે. બીજી તરફ ગુજરાતમાં પીવાના પાણી માટે પણ હવે જળાશયો પર આધાર રાખવો પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે.

6 જળાશયોમાં 90 ટકા જેટલો પાણીનો જથ્થો
હાલમાં રાજ્યના 207 જળાશયો પૈકી 6 જળાશયોમાં 90 ટકા જેટલો પાણીનો જથ્થો છે. તે ઉપરાંત 80 ટકા પાણીનો જથ્થો ધરાવતાં 11 જળાશયો છે. 70 ટકાથી વધુ પાણી ધરાવતાં 17 જળાશયો છે. જ્યારે 70 ટકાથી ઓછું પાણી ધરાવતા 172 જળાશયો છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 15થી 16 ફેબ્રુઆરીએ તાપમાન વધશે.આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા : અંબાજી ખાતે પંચ દિવસીય “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024″નો પ્રારંભ

Back to top button