બિઝનેસ ડેસ્કઃ આરબીઆઈએ બુધવારે મોંઘવારીને કાબુમાં લાવવા માટે રેપોરેટ 0.5 ટકા વધારીને વધારીને 4.9 ટકા કર્યો છે. આ પહેલાં 4 મેના રોજ RBIએ રેપો રેટમાં અચાનક 0.4 ટકાનો વધારો કર્યો હતો. RBIના આ પગલાંથી લોન મોંઘી થશે અને લોનના માસિક હપ્તા એટલે કે EMI વધશે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના અનુમાનને વધારીને 6.7 ટકા કર્યો છે. અગાઉ ફુગાવો 5.7 ટકા રહેવાનો અંદાજ હતો. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન 7.2 ટકા પર જાળવી રાખ્યું છે.
સર્વસંમતિથી પોલિસી રેટ વધારવાનો નિર્ણય
મોનેટરી પોલિસી કમિટી (MPC) ના નિર્ણય વિશે માહિતી આપતા દાસે કહ્યું કે, MPCએ સર્વસંમતિથી પોલિસી રેટમાં 0.5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં ફુગાવો 6 ટકાથી ઉપર રહેવાની ધારણા છે.
રિટેલ મોંઘવારીના દરને ધ્યાને રાખી નિર્ણય લીધો
આરબીઆઈ નાણાકીય નીતિને ધ્યાનમાં લેતી વખતે મુખ્યત્વે રિટેલ ફુગાવાના દરને ધ્યાનમાં લે છે. એપ્રિલમાં છૂટક ફુગાવો 7.79 ટકાની આઠ વર્ષની ઊંચી સપાટીએ હતો. આ સેન્ટ્રલ બેંકના સંતોષકારક સ્તર કરતાં ઘણું વધારે છે. રિટેલ ફુગાવો બેથી છ ટકાની રેન્જમાં રાખવાની જવાબદારી આરબીઆઈને સોંપવામાં આવી છે.
દરેક નીતિ દર પર નિર્ણય લેનારી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક સોમવારે શરૂ થઈ હતી. એવું માનવામાં આવતું હતું કે, સેન્ટ્રલ બેંક વધતી જતી મોંઘવારીને રોકવા માટે કેટલાક કડક નીતિગત પગલાં લઈ શકે છે અને આખરે તે જ થયું.
મોંઘવારી દર 6 ટકાથી ઉપર રહેવાની ધારણાં
સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, અમે ફુગાવાને અમારા લક્ષ્યાંકની અંદર લાવવા માટે પગલાં લઈ રહ્યા છીએ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો દર 6 ટકાથી ઉપર રહે તેવી શંકા છે. યુક્રેનના યુદ્ધે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધારી છે છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું છે, રિઝર્વ બેંક વૃદ્ધિને ટેકો આપવાનું ચાલુ રાખશે.
નાણાકીય નીતિની જાહેરાત પહેલા જ રિકવરી
રિઝર્વ બેંક મોંઘવારીને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરી રહી છે, પરંતુ તેનાથી ટૂંકા ગાળામાં મોંઘાવારી વધી રહી છે. આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો છે, એટલે કે જે દરે રિઝર્વ બેંક બેંકોને લોન આપે છે, તેના દરમાં વધારો કર્યો છે. જો બેંકને વધુ વ્યાજ ચૂકવવું પડશે, તો તેઓ તમારી પાસેથી લોન પર વધુ વ્યાજ પણ લેશે. નાણાકીય નીતિની જાહેરાત પહેલાં જ રિકવરી શરૂ થઈ ગઈ છે. પરિણામ આવે તે પહેલાં જ ખાનગી ક્ષેત્રની HDFC બેંકે લોન પર ફરી એક ઝટકો આપ્યો છે. બેંકે મંગળવારે લોનના દરમાં 0.35 ટકાનો વધારો કર્યો છે. બે મહિનામાં બેંક દ્વારા વ્યાજદરમાં આ બીજો વધારો છે. HDFC બેંકે બે વખતમાં લોન પરના વ્યાજ દરમાં 0.60 ટકાનો વધારો કર્યો છે.
ધીમે ધીમે ઓટો લોન, પર્સનલ લોન મોંઘી થશે. તેમજ પર્સનલ લોન જે તમને મોબાઈલ એપ પર પણ મળે છે. આ રીતે તમે નવી વસ્તુઓ ખરીદવાનું ટાળશો કારણ કે તે મોંઘી હશે, તમે ખર્ચમાં ઘટાડો કરશો. જ્યારે કંપનીઓ લોન લેવાનું અને નવા પ્રોજેક્ટ્સ સ્થાપવાનું પણ ટાળશે. હાલમાં રિઝર્વ બેંકની એકંદર અપેક્ષા એ છે કે, નાણાંના ખેંચાણને કારણે બજાર ઠંડું પડશે, માંગ ઘટશે અને મોંઘવારી ઘટશે.