અમદાવાદમાં નોંધણી ન કરાવી હોય તેવા રીઅલ-એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામે રેરાની કડક કાર્યવાહી
- રાજ્યમાં અનેક પ્રોજેક્ટ્સ રજિસ્ટ્રેશન વગર ચાલી રહ્યા છે
- લોકો સાવચેતી રાખે અને અનરજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સમાં પ્રોપર્ટી બુક કરવાથી દૂર રહે
- રેરાના કાયદામાં ઘર ખરીદનારાઓના હિતનું રક્ષણ થાય છે
અમદાવાદમાં નોંધણી ન કરાવી હોય તેવા રીઅલ-એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામે રેરાની કડક કાર્યવાહી થશે. જેમાં પૂરતા રજિસ્ટ્રેશન વગર બનતા પ્રોજેક્ટ્સ ગ્રાહકો માટે જોખમી છે તેમજ લોકોને આ અંગે જાગ્રત કરાશે. મ્યુનિ., અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના વિસ્તારોના ઘણા પ્રોજેક્ટ્સ રજિસ્ટર થતા જ નથી. રેરાના કાયદામાં ઘર ખરીદનારાઓના હિતનું રક્ષણ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: RTOમાં સારથી સર્વર ઠપ થતાં લાઇસન્સની કામગીરી અટકી
રાજ્યમાં અનેક પ્રોજેક્ટ્સ રજિસ્ટ્રેશન વગર ચાલી રહ્યા છે
ગુજરાતની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ધ્યાનમાં આવ્યું છે કે, મ્યુનિ. કોર્પોરેશન, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ પડતા ઘણા વિસ્તારોમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવતું નથી તેમજ નોંધણી કરાવ્યા પહેલાં જ બુકિંગ શરૂ કરી દેવામાં આવે છે. નોંધણી ન કરાવી હોય તેવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામે રેરા ઓથોરિટી કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં છે. રેરાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં અનેક પ્રોજેક્ટ્સ રજિસ્ટ્રેશન વગર ચાલી રહ્યા છે. આનાથી ઘર ખરીદનારાઓ માટે જોખમ વધી જાય છે. રેરાના કાયદામાં ઘર ખરીદનારાઓના હિતનું રક્ષણ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે જો બિલ્ડર મિલકતનો કબજો આપવામાં મોડું કરે તો ખરીદદારો વળતર મેળવવા માટે હકદાર છે.
લોકો સાવચેતી રાખે અને અનરજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સમાં પ્રોપર્ટી બુક કરવાથી દૂર રહે
વધુમાં, જો બાંધકામની ગુણવત્તા નિયત ધોરણો કરતાં નબળી હોય, તો ખરીદદારો બિલ્ડર સામે રેરા ફરિયાદ નોંધાવી શકે છે. પણ જો પ્રોજેક્ટ નોંધાયેલો ન હોય તો બિલ્ડર કે ડેવલપર્સ સામે ફરિયાદ થઇ શકતી નથી. જો કોઈ બિલ્ડર કે ડેવલપર પ્રોજેક્ટની રેરામાં નોંધણી કરાવ્યા વગર પ્રોપર્ટીનું વેચાણ કરે છે તો નિયમ મુજબ તેને પ્રોજેક્ટ કોસ્ટના 10% પેનલ્ટી કરવાની જોગવાઈ છે. રેરા ઓથોરિટીના ધ્યાનમાં આવ્યું છે કે, બિલ્ડર્સની પ્રી-લોન્ચની પ્રેક્ટિસ એક ચિંતાનો વિષય છે. બિલ્ડરો પ્રોજેક્ટ્સની રેરમાં નોંધણી કરાવતા પહેલાં ફોટો સહિતની વિગતો સાથે પ્રોજેક્ટ અંગે જાહેરાત કરે છે. આ પ્રથા ઘર ખરીદનારાઓના હિતમાં નથી અને તેમાં તેમની મહેનતની કમાણી ઉપર જોખમ ઊભું થાય છે. આવું ન થાય તે માટે હવે ગુજરાત રેરા ત્રણ વર્ષ માટે જાગરૂકતા અભિયાન શરૂ કરશે. ગુજરેરાનો જાગૃતિ કાર્યક્રમ સુનિશ્ચિત કરશે કે લોકો સાવચેતી રાખે અને અનરજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સમાં પ્રોપર્ટી બુક કરવાથી દૂર રહે. આ સાથે જ ગ્રાહકો રેરાના અધિકારીઓને આવા પ્રી-લોન્ચ વિશે જાણ કરે.