ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અનિલ અંબાણીની કંપની વેચવા માટે 10 દિવસનો સમય આપવાની RBIને વિનંતી

  • હિન્દુજા ગ્રુપની કંપની દ્વારા રિલાયન્સ કેપિટલનું કરવામાં આવી રહ્યું છે ટેકઓવર

નવી દિલ્હી, 18 મે: ભારે દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલ (RCAP)ના ટેકઓવરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે. અનિલ અંબાણીની આ કંપનીનું ટેકઓવર હિન્દુજા ગ્રુપની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી કંપનીને બિઝનેસના ખરીદનારને સોંપવા માટે 27 મે સુધી એટલે કે 10 દિવસના વધારાની માંગ કરી છે. જો RBI અનિલ અંબાણીની કંપનીની આ વિનંતી સ્વીકારે છે, તો RCAPને 10 દિવસનો વધારાનો સમય મળશે. મળતી માહિતી મુજબ, RCAPની ખરીદનાર હિન્દુજા ગ્રુપની કંપની છે. રિલાયન્સ કેપિટલને આદિત્ય એન્ટરપ્રાઈઝ (હિન્દુજા ગ્રુપ કંપની)ને સોંપવાની સમય મર્યાદા શુક્રવારે સમાપ્ત થઈ ગઈ છે. રિઝર્વ બેંકે (RBI) 17 નવેમ્બર, 2023ના રોજ રિલાયન્સ કેપિટલ (RCAP)ની સંપત્તિના વેચાણને મંજૂરી આપી હતી. આ મંજૂરી માટે સમય મર્યાદા છ મહિના નક્કી કરવામાં આવી હતી.

90 દિવસમાં અમલ કરવા આપ્યો હતો આદેશ 

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશ મુજબ, હિન્દુજા ગ્રુપની કંપની માટે રિઝોલ્યુશન પ્લાન પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 27 મે નક્કી કરવામાં આવી હતી. હકીકતમાં, 27 ફેબ્રુઆરીએ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતી વખતે, NCLTએ ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડને તેને 90 દિવસની અંદર અમલમાં મૂકવાનો આદેશ આપ્યો હતો. જો RBI સમયમર્યાદા લંબાવવાની વિનંતીને સ્વીકારશે નહીં, તો હિન્દુજા ગ્રૂપ પાસે રિઝોલ્યુશન પ્લાન પૂર્ણ કરવા અને RCAPની સંપત્તિઓ પર કબજો કરવા માટે સમય બાકી રહેશે નહીં.

9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી

ઉલ્લેખનીય છે કે, NCLTએ હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડના રિલાયન્સ કેપિટલ માટે રૂ. 9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. નવેમ્બર 2021માં, રિઝર્વ બેંકે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ કેપિટલને મેનેજમેન્ટમાં ખામીઓ અને લોનની ચુકવણીમાં ડિફોલ્ટ બાદ  બોર્ડને હટાવી દીધું હતું. આ પછી RBIએ નાગેશ્વર રાવ વાયને કંપનીના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા. એડમિનિસ્ટ્રેટરે ફેબ્રુઆરી 2022માં કંપનીના ટેકઓવર માટે બિડ મંગાવી હતી.

IRDAએ આપી મંજૂરી 

તાજેતરમાં વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAIએ રિલાયન્સ કેપિટલના ટેકઓવર માટે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલની બિડને મંજૂરી આપી હતી. ઇન્ડસઇન્ડના પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટેકઓવર જલ્દીથી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમારું લક્ષ્ય 27 મે, 2024 સુધીમાં તેને પૂર્ણ કરવાનું છે. પરંતુ હવે રિલાયન્સ કેપિટલે 10 દિવસનો વધારો માંગ્યો છે.

આ પણ જુઓ: UN તરફથી ભારત માટે સારા સમાચાર… અર્થવ્યવસ્થાના વિકાસનો અંદાજ વધ્યો, ઝડપ બુલેટ કરતા પણ ઝડપી હશે!

Back to top button