રિપોર્ટ : દેશના ટોચના શહેરોમાં અમદાવાદનું સૌથી સસ્તું પ્રોપર્ટી માર્કેટ, સૌથી મોંઘા શહેરમાં આ છે ટોપ પર
હાલમાં કોરોના પછી વિવિધ સ્થાનો પર પ્રોપર્ટીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદ સૌથી સસ્તું હાઉસિંગ માર્કેટ હોવાનું એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 2022 ના પ્રથમ છ મહિનામાં દેશમાં EMI રેશિયોના સંદર્ભમાં ઘર ખરીદવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. હકીકતમાં જોઈએ તો, આ સમયગાળા દરમિયાન વ્યાજ દરોમાં વધારાને કારણે, EMIનું ભારણ વધ્યું છે, જેણે લોકોની ખરીદ શક્તિને અસર કરી છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ શુક્રવારે 2022 ના પ્રથમ અર્ધવાર્ષિક (જાન્યુઆરી-જૂન) માટેનો અફોર્ડેબિલિટી રિપોર્ટનો અહેવાલ જાહેર કર્યો. આ ઇન્ડેક્સ વ્યક્તિઓની ઘર અથવા અન્ય વસ્તુઓ ખરીદવાની ક્ષમતા જણાવે છે. આ રિપોર્ટ સરેરાશ પરિવાર માટે EMI (સમાન માસિક હપ્તા) રેશિયોને ટ્રેક કરે છે. રિપોર્ટ અનુસાર, RBI દ્વારા રેપો રેટમાં 0.90 ટકાના વધારાથી ઘર ખરીદવાની ક્ષમતા પર અસર પડી છે, કારણ કે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ હાઉસિંગ લોન મોંઘી કરી છે.
જાણો કયા શહેરમાં સૌથી વધુ સસ્તું રહેણાંક બજાર?
રિપોર્ટના અનુસાર, 22 ટકાના આવક-ઈએમઆઈ રેશિયો સાથે ટોચના આઠ શહેરોમાં અમદાવાદ સૌથી સસ્તું હાઉસિંગ માર્કેટ છે. તે પછી 26 ટકા સાથે પુણે અને ચેન્નાઈનો નંબર આવે છે. નાઈટ ફ્રેન્કના એફોર્ડેબિલિટી ઈન્ડેક્સમાં 2010 થી 2021 દરમિયાન આઠ મોટા શહેરોમાં સતત સુધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન, જ્યારે RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો, ત્યારે લોકો માટે ઘર ખરીદવું વધુ સસ્તું બન્યું છે. જોકે, બે રાઉન્ડમાં રેપો રેટમાં 0.90 ટકાના વધારાને કારણે આ શહેરોમાં ઘર ખરીદવાની ક્ષમતામાં સરેરાશ બે ટકાનો ઘટાડો નોંધાયો હતો.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં ઘર ખરીદવું મુશ્કેલ બની ગયું છે. મુખ્ય બજારોમાં અફોર્ડેબિલીટી સરેરાશ 2-3 ટકા ઘટી છે, એમ તેમણે જણાવ્યું હતું. EMI લોડ સરેરાશ 6.97 છે. જો કે, દરોમાં વધારો થવા છતાં, બજારો મોટાભાગે આર્થિક છે.
સૌથી મોંઘા શહેર કયા ?
2022 ના પ્રથમ છ મહિનામાં મુંબઈ દેશનું સૌથી મોંઘું રહેણાંક બજાર હતું અને તેનો અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ 53 ટકાથી વધીને 56 ટકા થયો છે. હૈદરાબાદ દેશનું બીજું સૌથી મોંઘું રહેણાંક બજાર છે.શહેરનો ઇન્ડેક્સ 29 ટકાથી વધીને 31 ટકા થયો છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆર યાદીમાં ત્રીજા સ્થાને છે. ઇન્ડેક્સ 28 ટકાથી વધીને 30 ટકા થયો છે. બેંગ્લોર માટે ઇન્ડેક્સ 26 થી વધીને 28 અને હૈદરાબાદ માટે ઇન્ડેક્સ 25 થી વધીને 27 થયો છે.