રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ટિપ્પણી મુદ્દે રાહુલ ગાંધીને અપાઈ જવાબ આપો નોટીસ
લોકસભા સચિવાલયે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે. હકીકતમાં, 7 ફેબ્રુઆરીએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને પ્રહલાદ જોશીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન ‘ભ્રામક, બદનક્ષીપૂર્ણ, અસંસદીય અને ભડકાઉ નિવેદનો’ કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અંગે લોકસભા સચિવાલયને પત્ર લખ્યો હતો. હવે આ જ પત્રના સંદર્ભમાં લોકસભા સચિવાલયે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે.
શું છે મામલો?
મળતી માહિતી મુજબ, ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. આના પર સચિવાલયે 10 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને લોકસભાના અધ્યક્ષની વિચારણા માટે 15 ફેબ્રુઆરી સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા કહ્યું છે.
રાહુલના નિવેદન પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો
અગાઉ, નિશિકાંત દુબે અને પ્રહલાદ જોશીએ મંગળવારે લોકસભામાં ‘રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ’ પર ચર્ચા દરમિયાન તેમના ભાષણ પછી રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. ગાંધીએ હિંડનબર્ગ-અદાણી મુદ્દે ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવી હતી બંને બીજેપી નેતાઓએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમની નોટિસમાં આરોપ લગાવ્યો હતો કે ગાંધીની ટિપ્પણી પાયાવિહોણી હતી અને તેમણે “ઘૃણાસ્પદ, અસંસદીય અને બદનક્ષીભર્યા” આરોપો કર્યા હતા. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને અધ્યક્ષે ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દીધી હતી.