ઝૂમ કાર પર 11 લાખની કાર ભાડે લઈ મોબાઈલ બંધ કરી 4 ગઠિયા પલાયન !
અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સ્મીતાબેન પરમાર નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે બેંક લોન પર કાર ખરીદી અને ગત 21 ફેબ્રુઆરીના રોજ તેમણે ઝૂમકાર પ્રા. લિ. કંપનીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઝૂમકાર સેલ્ફ ડ્રાઈવમાં તેમની કાર મુકી હતી. આ માટે તેમના દીકરાએ ઓનલાઈન જાહેરાત પણ મુકી હતી.તેમણે કરેલી ફરિયાદ પ્રમાણે ગત 4 માર્ચના રોજ તેમના દીકરાના મોબાઈલ પર ઓનલાઈન કાર રેન્ટ પર લેવા માટે ફોન આવ્યો હતો. ત્યાર બાદ પાંચમી માર્ચે મોહમ્મદ ઝબીર શેખ નામના વ્યક્તિએ કાર બુક કરી હતી. ત્યાર બાદ બબલુ નામના શખ્સે કારનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. બાદમાં મોહમ્મદ ઝબીર નામના વ્યક્તિનો ફોન આવ્યો અને કારની આરસી બુક અને વીમાની નકલો માંગી હતી. જે બાદ ફરિયાદીના દીકરાએ તેને વોટ્સએપ મારફતે મોકલી આપી હતી. આ કાર પરત મુકી જવાનો સમય 10 માર્ચ સવારે 10 વાગ્યાનો નક્કી થયો હતો.
આ પણ વાંચો : દેશમાં ગુજરાત મોડલની વાહ વાહ ! : 1 લાખથી વધુ બાળકો કુપોષિત, આ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત
ત્યારબાદ 10મી માર્ચે ઝૂમકાર કંપનીમાંથી ફરિયાદીના દીકરાને ફોન આવ્યો અને કહ્યું હતું કે, તમારી કાર લઈ જનાર હજી કાર લઈને પરત આવ્યો નથી અને તેનું લોકેશન અને ફોન બંધ આવે છે અને તેનું છેલ્લુ લોકેશન ભુજનું બતાવે છે. ત્યાર બાદ ઝૂમકાર કંપનીના કર્મચારીએ કાર માલિકને કાર લઈ જનારની ફોટો કોપી અને ડોક્યુમેન્ટ આપ્યા હતાં. આ ડોક્યુમેન્ટ લઈ ફરિયાદીએ એરપોર્ટ પોલીસ મથકમાં એક ફરિયાદ આપી હતી. 11 માર્ચે કાર લઈ જનારનો ફરિયાદી પર ફોન આવ્યો હતો અને કહ્યું કે, હું ભુજમાં છું અને 14 માર્ચે સાંજ સુધીમાં તમને તમારી ગાડી આપી જઈશ. પરંતુ હજુ સુધી તેણે કાર પાછી આપી નથી અને તેનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી ફરિયાદીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.