જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન
- 90 વર્ષની વયે મુંબઈ ખાતેના નિવાસસ્થાને લીધા અંતિમશ્વાસ
મુંબઈ, 11 ડિસેમ્બર : જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર તેમજ અનેક પુરસ્કારોથી સન્માનિત થયેલા પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની જૈફ વયે મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું છે. અગાઉ ગુજરાત સરકારના અનેક પુરસ્કાર તેમને મળ્યા છે જ્યારે કે વર્ષ 2017માં તેમને પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો.
સંગીતકાર-ગાયક બન્યા પહેલાં નાટકમાં કામ કરતા હતા
પદ્મશ્રી સ્વ.પુરુષોત્તમ ઉપાધ્યાય મૂળ ખેડાના રહેવાસી હતા. તેઓએ શાળાના સમયથી જ પોતાની કારકિર્દી સંગીતમાં બનાવવાનું નક્કી કર્યું હતું પરંતુ યોગ્ય પ્લેટફોર્મ ન મળતા તેમણે જ્યાં સ્ટેજ ઉપર ગાવા મળતું ત્યાં તેઓ પોતાની કલા બતાવતા હતા. તેમણે સંગીતકાર અને ગાયક બનતા પહેલાં અનેક નાટકોમાં પણ પરફોર્મન્સ આપ્યું છે.
તેઓ કોઈને જાણ કર્યા વગર મુંબઈ ચાલ્યા ગયા હતા
પુરુષોત્તમ ઉપાધ્યાયે જ્યારે ગુજરાતમાં સંગીતક્ષેત્રે કારકિર્દી શરૂ કરવાનું નક્કી કર્યું પરંતુ અહિયાં કોઈ અવકાશ ન મળતા તેઓ કોઈને પણ જાણ કર્યા વગર મુંબઈ પહોંચી ગયા હતા. દરમિયાન તેમને જાણીતા એક્ટર અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ ઘડી તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. ત્યારબાદ તેમણ તે સમયના જાણીતા કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, ગુજરાતી ગાયક દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસના સંપર્કમાં આવ્યા હતા. માસ્ટર અશરફખાનની ભલામણથી આકાશવાણી, મુંબઈમાં ગીત ગાવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.
અનેક કલાકારો સાથે કામ કરવાની તક મળી
આ ઉપરાંત તેમને મુંબઈની જાણીતી ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસના માર્ગદર્શન હેઠળ સંગીત ઇવેન્ટ્સનું સંચાલન કરવાની તક મળી.આ સાથે જ તેઓ ઉસ્તાદ નવરંગ નાગપુરકર પાસેથી શાસ્ત્રીય સંગીત શીખતા. અવિનાશ વ્યાસ જ્યારે વિદેશ જાય ત્યારે તેમના ભારતીય વિદ્યાભવનના સંગીતના ક્લાસ ચલાવવાની તક પુરુષોત્તમભાઈને મળતી હતી. થોડા સમય બાદ પુરુષોત્તમભાઈ પોતાના કાર્યક્રમો દેશ-વિદેશમાં ઓર્ગેનાઇઝ કરવા લાગ્યા હતા. તેઓ ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ લોકપ્રિય થયા હતા. બોલિવૂડ સંગીતકાર કલ્યાણજી–આણંદજી સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય પણ મ્યૂઝિક આપતા. લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા સિંગર્સે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે કામ કર્યું હતું.
રાજ્યપાલે તેમના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો
ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવતા સુપ્રસિદ્ધ ગાયક – સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, તેમણે તેમના સુરમય સંગીત અને અમૂલ્ય યોગદાન દ્વારા ગુજરાતી સુગમ સંગીતને સમૃદ્ધ બનાવ્યું છે. તેમનાં સ્વર અને સુર અસંખ્ય શ્રોતાઓના હૃદયને સ્પર્શ્યાં છે. તેમની વિદાય સાથે ગુજરાતી સુગમ સંગીતના એક યુગનો અંત આવ્યો છે. તેમનું નિધન ગુજરાતી સંગીતજગત માટે એક અપૂરણીય ક્ષતિ છે. તેમના સુરોની મીઠાસ અને સર્જનાત્મકતા સદાય આપણી સ્મૃતિમાં જીવંત રહેશે.
આ પણ વાંચો :- નવા વર્ષમાં આ 8 શેર રોકાણકારોને બનાવી શકે છે માલામાલ, જૂઓ યાદી