ગિરનાર લીલી પરીક્રમાના રૂટ પરથી ૧.૫ ટનના પ્લાસ્ટિક અને કચરાનો નીકાલ
- ગિરનાર લીલી પરિક્રમા અંતર્ગત પરિક્રમામાં આવેલા શ્રધ્ધાળુઓ દ્વારા ફેંકવામાં આવેલા કચરાનો નીકાલ
જૂનાગઢ, 9 ડિસેમ્બર : જૂનાગઢના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૩ અંતર્ગત પરિક્રમામાં આવેલા શ્રધ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલા કચરા પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વનવિભાગના દક્ષિણ અને ઉત્તર પરિકક્ષેત્રના અધિકારીઓએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાથે રાખીને ૧.૫ ટનના પ્લાસ્ટિક અને કચરાનો નીકાલ કર્યો હતો.
દક્ષિણ પરીક્ષેત્રના વન અધિકારી દ્વારા 700 કિ.ગ્રા.નો કચરો એકઠો કરાયો
જૂનાગઢ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૩ અંતર્ગત પરિક્રમામાં આવેલા શ્રધ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલા પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ ડુંગર દક્ષિણ પરીક્ષેત્રના વન અધિકારીએ તેમના કાર્યવિસ્તારમાં આવતા સરક્યુલર રોડથી બાવળકાંટ વિસ્તારમાં વન વિભાગના 10 મજુરો અને એન.બી.કાંબલીયા કન્યા વિદ્યાલયના 60 શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને અંદાજિત 700 કિ.ગ્રા. જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કર્યો હતો.
ઉત્તર પરીક્ષેત્રના વન અધિકારી દ્વારા 850 કિ.ગ્રા. કચરો એકઠો કરાયો
જ્યારે જૂનાગઢના ડુંગર ઉત્તર પરીક્ષેત્રના વન અધિકારીએ તેમના કાર્યવિસ્તાર એવા જાંબુડી રાઉન્ડના સરકડીયા ઘોડી વિસ્તારમાં પટેલ સાયન્સ સ્કુલના 70 શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને 850 કિ.ગ્રા. પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
આમ, વન વિભાગના સ્ટાફ, મજુરો, જૂનાગઢની એન.બી.કાંબલીયા કન્યા વિદ્યાલય અને પટેલ સાયન્સ સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી અંદાજિત 1.5 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ જુઓ :રેલવે: રાજકોટ ડિવિઝનના સાત કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન