અમાનતુલ્લા ખાનને વકફ કેસમાં રાહત, કોર્ટે તેમને મુક્ત કરવાનો આપ્યો આદેશ
- સ્પેશિયલ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટને ધ્યાનમાં લેવાનો ઇનકાર કરી દીધો
નવી દિલ્હી, 14 નવેમ્બર: અમાનતુલ્લા ખાનને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી આજે ગુરુવારે મોટી રાહત મળી છે. સ્પેશિયલ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટને ધ્યાનમાં લેવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, અમાનતુલ્લા ખાન વિરુદ્ધ ઘણા પુરાવા છે. પરંતુ ફરિયાદ પક્ષ પાસે તેની સામે કાર્યવાહી કરવા માટે કોઈ કલમ નથી. કોર્ટે મરિયમ સિદ્દીકીને પણ નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે અમાનતુલ્લા ખાનને 1 લાખ રૂપિયાના બોન્ડ પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ જિતેન્દ્ર સિંહની કોર્ટ દ્વારા કરવામાં આવી હતી.
Delhi | Counsel for AAP MLA Amanatullah Khan, Rajat Bhardwaj says, “… The court has declined to take cognizance against Amanatullah Khan because there was no sanction against him and the court has directed his release with the surety of Rs. one lakh… There’s no evidence… https://t.co/7gfVQhgAKE pic.twitter.com/arLR1qg2aN
— ANI (@ANI) November 14, 2024
આ પહેલા બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. જેમાં ED અને અમાનતુલ્લા ખાનના વકીલોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. દિલ્હી વક્ફ બોર્ડ કેસમાં AAP ધારાસભ્ય સામે ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લેવી કે નહીં તે અંગે કોર્ટે સંજ્ઞાન લેવું પડ્યું હતું. બુધવારે કોર્ટે દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન EDએ દાવો કર્યો હતો કે, તેની પાસે આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે.
29 ઓક્ટોબરે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી
EDએ 29 ઓક્ટોબરના રોજ 110 પાનાની પ્રથમ સપ્લિમેન્ટરી પ્રોસિક્યુશન ફરિયાદ (EDની ચાર્જશીટની સમકક્ષ) દાખલ કરી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર દ્વારા કમાયેલા નાણાંની લોન્ડરિંગ કરી હતી. મરિયમ સિદ્દીકીની ચાર્જશીટમાં શનિલનું નામ પણ હતું, જેની EDએ આ કેસમાં આરોપી તરીકે ધરપકડ કરી ન હતી. EDએ કહ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ નોંધાયેલા કેસમાં ખાન અને અન્ય સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે.
2 સપ્ટેમ્બરે થઈ હતી ધરપકડ
અમાનતુલ્લા ખાનની PMLAની જોગવાઈઓ હેઠળ 2 સપ્ટેમ્બરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા દિલ્હીના ઓખલા સ્થિત તેના ઘરની તલાશી લેવામાં આવી હતી. તપાસ એજન્સીએ પૂછપરછ દરમિયાન AAP ધારાસભ્ય પર ‘ભાગી’ જવાનો આરોપ લગાવ્યો હતો. તેમની સામે મની લોન્ડરિંગની તપાસ બે FIR સાથે શરૂ કરવામાં આવી હતી. પ્રથમ, વક્ફ બોર્ડમાં કથિત અનિયમિતતા અંગે CBIનો કેસ અને બીજો, દિલ્હી પોલીસના ભ્રષ્ટાચાર વિરોધી એકમ દ્વારા નોંધાયેલ અપ્રમાણસર સંપત્તિનો કેસ.