રાહતના સમાચાર: જથ્થાબંધ મોંઘવારી 8 વર્ષની સૌથી નીચી સપાટીએ
- ખાવા-પીવાની ચીજો સસ્તી થવાને કારણે મોંઘવારી ઘટી, મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ઘટીને 4.25 ટકા નોંધાયો
- મે મહિનામાં માઈનસ 3.48 ટકા મોંઘવારી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગે મે મહિનાના જથ્થાબંધ મોંઘવારીના આંકડા જારી કર્યા છે. જથ્થાબંધ મોઘવારી દર ઘટીને માઇનસ ૩.૪૮ની નીચી સપાટીએ નોંધાયો છે. આઠ વર્ષની આ સૌથી નીચી સપાટી છે. આ પહેલાં ઓક્ટોબર ૨૦૧૫માં આ દર માઇનસ ૩.૮૧ ટકા નોંધાયો હતો. આ પહેલાં એપ્રિલમાં માઇનસ ૦.૯૨ ટકા નોંધાયો હતો. ૧૨ જૂનના રોજ રિટેલ મોંઘવારીના જારી થયેલા આંકડા મુજબ મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ઘટીને ૪.૨૫ ટકા નોંધાયો હતો. ૨૫ મહિનામાં મોંઘવારીની આ સૌથી નીચી સપાટી છે. મે મહિનામાં જથ્થાબંધ ખાદ્ય કિંમતોમાં ૧.૫૯ ટકા તો ઇંધણ અને વીજળીના દરમાં ૯.૧૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ખનિજ તેલ, બુનિયાદી ધાતુ, ખાદ્ય ઉત્પાદન, વસ્ત્ર, બિનખાદ્ય વસ્તુ, કાચા પેટ્રોલિયમ, કુદરતી ગેસ, રસાયણ અને રાસાયણિક ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો નોંધાતાં મે ૨૦૨૩માં મોંઘવારીના દરોમાં ઘટાડો આવ્યો છે.
હજી ઘટી શકે છે મોંઘવારી:
દેશના જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ખનિજ તેલ, ધાતુઓ, ખાદ્ય પદાર્થો, કાપડની સાથે સાથે બિન ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો છે. ઉપરાંત ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સાથે નેચરલ ગેસ, કેમિકલ અને રાસાયણિક ઉત્પાદનોના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. દેશમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડાની સીધી અસર વ્યાજ દરો પર પણ જોવા મળી શકે છે અને આવનારા સમયમાં લોકોને વધુ રાહત મળી શકે છે.
રિટેલ મોંઘવારી પણ ૨૫ મહિનાની નીચી સપાટીએ:
મે ૨૦૨૩માં રિટેલ મોંઘવારી દર ઘટીને ૪.૨૫ ટકાની નીચી સપાટીએ આવી ગયો છે. મોંઘવારીનું વીતેલા ૨૫ મહિનાનું આ સૌથી નીચું સ્તર છે. એપ્રિલ ૨૦૨૧માં રિટેલ મોંઘવારી દર ૪.૨૩ ટકા હતો. એપ્રિલ ૨૦૨૩માં ૪.૭૦ ટકા હતો. ખાવાપીવાની વસ્તુના ભાવ ગગડતા મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: Google લાવ્યું નવું ફીચર, ફોટો એડિટ કરવું બનશે સરળ