મોંઘવારી મોરચે મહિલાઓને રાહત, એપ્રિલમાં છૂટક મોંઘવારીમાં આંશિક ઘટાડો
નવી દિલ્હી, 13 મેઃ મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. દેશમાં છૂટક ફુગાવના દરમાં આંશિક ઘટાડો નોંધાયો છે. એપ્રિલમાં છૂટક મોંઘવારી દર નજીવો ઘટીને 4.83 ટકા પર આવી ગયો છે. માર્ચ 2024માં તે 4.85 ટકાના સ્તરે હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ખાદ્ય ફુગાવો એપ્રિલમાં નજીવો વધીને 8.70 ટકા થયો હતો, જે માર્ચના 8.52 ટકા કરતાં નજીવો વધારે હતો. સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને રિટેલ ફુગાવો બે ટકાના તફાવત સાથે ચાર ટકા પર રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. દેશની મધ્યસ્થ બેંક તેની દ્વિ-માસિક નાણાકીય સમીક્ષામાં વ્યાજ દર સેટ કરતી વખતે છૂટક ફુગાવાના ડેટાને ધ્યાનમાં લે છે. રિઝર્વ બેન્કનું કહેવું છે કે આગળ જતાં ખાદ્ય ચીજોની કિંમતો ફુગાવાના વલણને પ્રભાવિત કરતી રહેશે.
સીપીઆઈ નાણાકીય સ્થિતિમાં છેલ્લા થોડા મહિનામાં ઘટાડો જોવા મળે છે. ફેબ્રુઆરીમાં આ આંકડો 5.09 ટકા હતો તે માર્ચમાં ઘટીને 4.85 ટકા થયો હતો. ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે, ખાદ્યતેલના ભાવમાં એપ્રિલમાં ઘટાડો ચાલુ રહ્યો હતો અને સમગ્ર મહિના દરમિયાન તેમાં 9.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ રીતે મસાલાની કિમત ફેબ્રુઆરીમાં 13.28 ટકા હતી તે માર્ચમાં ઘટીને 11.4 ટકા થઈ હતી.
અલબત્ત, એક તરફ દાળના ભાવો ઘટ્યા છે તો બીજી તરફ શાક-ભાજીના ભાવમાં રાહત મળી નથી. એપ્રિલ દરમિયાન દાળોના ભાવાંક માર્ચ મહિનાના 17.71 ટકાની સરખામણીમાં ઘટીને 7.75 ટકા ઉપર આવી ગયા હતા. ભાવાંકોના આંકડા પરથી સમજાય છે કે, એપ્રિલમાં શાકભાજીની કિમતમાં 8.63 ટકાનો વધારો થયો હતો. ભારતીય રિઝર્વ બેંકે તેની પાંચ એપ્રિલની નાણા નીતિની સમીક્ષા જાહેર કરતી વખતે કહ્યું હતું કે, તેને આશા છે કે આ વર્ષે સામાન્ય ચોમાસાની સંભાવના હોવાથી 2024-25માં નાણાકીય ખાધ ઘટીને 4.5 ટકા થઈ જશે.
આ પણ વાંચોઃ “ઠીક છે, તો પાકિસ્તાનને પણ બંગડીઓ પહેરાવી દઈશું”: PM મોદીએ કોને આપ્યો જવાબ?