રિલાયન્સ ગ્રુપે સોમનાથ મહાદેવને અર્પણ કર્યા કરોડોના સોના – ચાંદીના દાગીના, અનંત અંબાણીનું કરાયું વિશિષ્ટ સન્માન
અમદાવાદ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજે શિશ ઝુંકાવવા માટે રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી પહોંચ્યા હતા. તેઓએ ભગવાનની પૂજા કરી હતી ત્યારબાદ તેમના દ્વારા ભગવાન સોમનાથને કરોડો રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે તેઓનું વિશિષ્ટ સન્માન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
અંબાણી પરિવારને સોમનાથ મહાદેવ પ્રત્યે આસ્થા, નિત્ય દર્શન માટે આવે છે
આ અંગે સોમનાથ મંદિરના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રિલાયન્સ ગ્રૂપને સોમનાથ મહાદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને આસ્થા છે. અંબાણી પરિવાર નિત્ય તેમની પૂજા અર્ચના કરવા માટે અચૂક આવે છે. આજે પણ અનંત અંબાણી આવ્યા હતા. તેઓએ મહાદેવની ગંગાજળથી પૂજા કરી હતી. ત્યારબાદ મંદિર માટે તેમણે 90 લાખની કિંમતના ચાંદીના વાસણો જે ભગવાનની પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ઉપરાંત મંદિરના નૃત્ય મંડપના શીખરને સુવર્ણ મઢીત કરવામાં ચાલી રહેલા અભિયાનમાં 51 સુવર્ણ કળશો ચડાવવા માટે 61.71 લાખ રૂપિયાની ભેટ આપી હતી.