કેનેડા સાથેના સંબંધો વણસ્યા, હવે ભારતે ભર્યું આ પગલું
નવી દિલ્હી, 14 ઓક્ટોબર : હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાની તાજેતરની કાર્યવાહી પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આજે જ કેનેડાના રાજદ્વારીઓને બોલાવ્યા હતા. આ બેઠક બાદ ભારતે કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રુડો શાસને તેની તાજેતરની તપાસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પર્સન ઓફ ઇન્ટરેસ્ટ તરીકે જોડ્યા હતા. જેના પર ભારતે કડક કાર્યવાહી કરી છે.
ગત વર્ષે પીએમ જસ્ટિન ટ્રુડોએ લગાવ્યા હતા આરોપો
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર કોઈ પુરાવા વિના નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ભારતે નિજ્જરની હત્યા કરાવી છે. ભારત સતત આના પુરાવા માંગી રહ્યું છે પરંતુ ટ્રુડો શાસને હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના રાજદ્વારીઓ સાથેની બેઠક બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે કેનેડા પાસેથી વારંવાર પુરાવા માંગ્યા બાદ પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. જો કે કેનેડાના રાજદ્વારીએ આ વાતને નકારી કાઢી હતી.
MEA સાથેની બેઠકમાં કેનેડિયન રાજદ્વારીએ શું કહ્યું?
આજે વિદેશ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં કેનેડિયન રાજદ્વારી સ્ટુઅર્ટ વ્હીલરે કહ્યું હતુંકે, કેનેડાએ ભારત સરકારના એજન્ટો અને કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા વચ્ચેના સંબંધોના વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા છે. હવે તે સમય છે ભારત માટે તેના વચન પર રહેવાનો અને તે તમામ આરોપોની તપાસ કરવાનો. ભારતને સહકાર આપવો તે આપણા દેશો અને આપણા દેશના લોકો બંનેના હિતમાં છે.
ભારતીય રાજદ્વારીની સુરક્ષા ખતરામાં!
આ મામલાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે સાંજે કેનેડાના કાર્યકારી રાજદ્વારીને બોલાવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે કોઈપણ પુરાવા વિના ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ પર આરોપ લગાવવા અસ્વીકાર્ય છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે આવા આરોપોથી ઉગ્રવાદ અને હિંસાનું વાતાવરણ ઊભું થયું છે, જેના કારણે અમારા રાજદ્વારીઓની સુરક્ષા જોખમમાં છે.
આ પણ વાંચો :- ભારતે પોતાનો ‘આયર્ન ડોમ’ બનાવ્યો, પોખરણમાં કર્યું પરીક્ષણ, દુશ્મનોને ધ્રૂજાવી દેશે નવી સંરક્ષણ પ્રણાલી