સ્પોર્ટસ

જો ફિલ સોલ્ટ KKR છોડશે તો તેને એક ધમાકેદાર બેટર રિપ્લેસ કરશે

Text To Speech

7 મે, કોલકાતા: આવનારા T20 વર્લ્ડ કપ અગાઉ ઘણી ટીમો પ્રેક્ટીસ માટે અન્ય ટીમો સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાની છે. આ ટીમોમાં ઇંગ્લેન્ડ પણ સામેલ છે. ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે T20 મેચોની સિરીઝ રમવાનું છે અને આથી તેનો ઓપનીંગ બેટર ફિલ સોલ્ટ IPL છોડીને ઇંગ્લેન્ડ જતો રહે તેવી સંભાવના છે.

ગઈકાલે જ સમાચાર આવ્યા હતા કે ECBને ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે સૂચન કર્યું છે કે ઇંગ્લેન્ડના ખેલાડીઓને પ્રેક્ટીસ માટે વેસ્ટ ઇન્ડિઝ વહેલા પહોંચવું જરૂરી છે. આથી IPLમાંથી વર્લ્ડ કપમાં રમનારા ઈંગ્લીશ ખેલાડીઓને પરત બોલાવી લેવા જોઈએ.

ફિલ સોલ્ટ પણ આ જ લિસ્ટમાં સામેલ છે. તકલીફ કોલકાતાના થવાની છે કારણકે તેનું IPL 2024ના પ્લેઓફ્સમાં સ્થાન લગભગ પાક્કું છે. આથી ફિલ સોલ્ટ જો ઇંગ્લેન્ડ પરત થઇ જતો હોય તો તે સ્વાભાવિકપણે કોલકાતા તરફથી પ્લેઓફ્સમાં રમી નહીં શકે.

પરંતુ આ પ્રકારની રણનીતિ ઘણી ટીમો ઓક્શન વખતે જ નક્કી કરી લેતી હોય છે અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા કદાચ એટલે જ એક અન્ય ધમાકેદાર બેટરને ટીમમાં લેવામાં આવ્યો હશે. આ ધમાકેદાર બેટર અફઘાનિસ્તાન ટીમનો વિકેટ કીપર છે જેનું નામ છે રેહમાનુલ્લાહ ગુરબાઝ.

ગુરબાઝ પોતાની ફટાફટ બેટિંગ મત જાણીતો છે અને ગઈ સિઝનમાં તેણે કોલકાતા માટે મોટાભાગની મેચોમાં ઓપનીંગ કર્યું હતું. પરંતુ આ વર્ષે KKR દ્વારા ફિલ સોલ્ટને વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને અત્યાર સુધી સોલ્ટ જ ટીમ માટે ઓપન કરતો આવ્યો છે.

પરંતુ હવે જ્યારે સોલ્ટ કદાચ સ્વદેશ પરત થશે તો ગુરબાઝને ઓપનીંગમાં મોકલવામાં આવશે જે કદાચ સોલ્ટની ખોટ પૂરી કરી આપશે.

જો કે ગુરબાઝ હાલમાં ભારતમાં નથી. જાણવા મળ્યા અનુસાર ગુરબાઝ અત્યારે તેની માતાને મળવા માટે અફઘાનિસ્તાન ગયો છે. તેની માતા ઘણા સમયથી બીમાર હતા. પરંતુ તાજા સમાચાર અનુસાર રેહમાનઉલ્લાહ ગુરબાઝ હવે ભારત પરત આવવા માટે તૈયાર છે અને બહુ જલ્દીથી તે કોલકાતાની ટીમ સાથે જોડાઈ જશે.

જો કે BCCI ઈંગ્લીશ ક્રિકેટ બોર્ડને વિનંતી કરવાનું છે કે ઇંગ્લેન્ડના ખેલાડીઓને પ્લેઓફ્સમાં રમવા દેવામાં આવે. હવે જેટલી પણ IPL ટીમો પ્લેઓફ્સના દ્વાર ઉપર પહોંચી ગઈ છે એ તેમાં ECBના નિર્ણયની આતુરતાથી રાહ જોતી હશે.

Back to top button