ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

આણંદમાં બાળ કલ્યાણની સંસ્થાઓ માટે જુવેનાઇલ એક્ટ મુજબ રજીસ્ટ્રેશન ફરજિયાત

  • બાળ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી તમામ સંસ્થાઓ માટે 10 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત 

આણંદ, 14 ડિસેમ્બર : આણંદ જિલ્લાની બાળ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી તમામ સંસ્થાઓને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાળ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી, કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને રહેણાંકની સુવિધા પૂરી પાડતી હોય તેવી તમામ સંસ્થાઓનું જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫ની કલમ-૪૧(૧) હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ રજીસ્ટ્રેશન તમામ સંસ્થાઓ 10 દિવસના કરાવવું જરૂરી છે.

જુવેનાઈલ જસ્ટીસ એકટમાં કેવા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે ?

જુવેનાઈલ જસ્ટીસ એકટ, ૨૦૧૫ની કલમ-૨(૧૪) મુજબ કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળક એટલે કે 1) કોઈપણ બાળકો જે રહેઠાણ વગર મળી આવ્યું હોય, 2) જીવન નિર્વાહનાં સાધનો વગર મળી આવ્યું હોય, 3) બાળ મજૂર હોય અથવા ભિક્ષાવૃત્તિ કરતાં હોય, 4) રસ્તા પર રહેતા હોય, 5) બાળકને મારવામાં આવેલું હોય, 6) શોષણ કરેલું હોય, 7) અભદ્ર શોષણ કરેલું હોય અથવા બાળકને ધિક્કારેલું હોય, 8) માનસિક અથવા શારીરિક રીતે વિકલાંગ હોય, 9) માતા-પિતા બાળકોને રાખવા માટે અસક્ષમ હોય, 10) બાળક અનાથ હોય કે સંભાળ લેનાર કોઈ ન હોય, 11) ગુમ થયેલ કે ભાગી ગયેલા બાળકો મળી આવેલ હોય, 12) ગેરકાયદેસર વ્યવસાયમાં જોડાય તેવી સંભાવના હોય, 13) કુદરત કે માનવસર્જીત આપત્તિનો ભોગ બનેલા હોય તેવા બાળકોને કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો કહેવામાં આવે છે. જુવેનાઈલ જસ્ટિસ એકટ, ૨૦૧૫ની કલમ-૨(૧૩) મુજબ કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો એટલે એવા બાળકો કે જેમણે કોઈ ગુનાહિત કૃત્ય કર્યાનો આક્ષેપ હોય અથવા કૃત્ય કરતાં પકડાયેલા હોય અને તે બાળકે ૧૮ વર્ષની ઉંમર પુર્ણ કરેલ ન હોય તેવા તમામ બાળકોને રક્ષણ આપવામાં આવ્યું છે.

જુવેનાઈલ જસ્ટિસ એકટનો ભંગ કરનારને એક વર્ષ સુધીની કેદ 

જુવેનાઈલ જસ્ટિસ એકટ, ૨૦૧૫ની કલમ-૨(૧૩) અને ૨(૧૪) મુજબના તમામ બાળકોને સંસ્થાકીય સેવાઓ આપતી અથવા આપવા માગતી સંસ્થાઓએ કાયદાની કલમ-૪૧(૧) મુજબ તેમની સંસ્થાની નોંધણી કરાવવી અને માન્યતા લેવી જરૂરી બને છે. જો કોઈ સંસ્થાએ નિશ્ચિત સમયમાં માન્યતા મેળવેલી  નથી છતાં તે સંસ્થા કાયદાની કલમ-૨(૧૩) અને ૨(૧૪) મુજબના બાળકોને રાખે છે તો જુવેનાઈલ જસ્ટિસ એકટ ૨૦૧૫ની કલમ-૪૨ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા એક લાખથી ઓછો ન હોય તેટલો દંડ અથવા બંને થવાને પાત્ર છે તથા જો ૩૦ દિવસમાં રજીસ્ટ્રેશન માટે અરજી ન કરે તો અલગથી સજાની જોગવાઈ છે.

૧૦ દિવસમાં બાળ કલ્યાણ માટેની સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ,આણંદ જિલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ એકટ, ૨૦૧૫ની કલમ-૨(૧૩) અને ૨(૧૪) મુજબના તમામ બાળકોને સંસ્થાકીય સેવાઓ આપતી હોય અને રજીસ્ટ્રેશન બાકી હોય અથવા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ની કલમ-૨(૧૩) અને ૨(૧૪) મુજબના બાળકોને સંસ્થાકીય સેવાઓ આપવા માટે કાર્ય કરવા માંગતી હોય તેવી સંસ્થાઓએ ૧૦ દિવસમાં આણંદની જુની કલેક્ટર કચેરીની જિલ્લા બાળ સુરક્ષા એકમની જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે નિયત ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ https://gscps.gujarat.gov.in અને https://sje.gujarat.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે, અથવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ખાતેથી રૂબરૂમાં મળી શકશે, તેમ આણંદના જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ જુઓ :રાજય સરકારે ગાંધીનગર, સુરત અને વડોદરા મહાનગરપાલિકાને વિકાસ કામો માટે 484 કરોડ ફાળવ્યા

Back to top button