આગામી એપ્રિલ મહિનાથી શરૂ થનારી હિન્દુઓની આસ્થા સમાન ચારધામ યાત્રા માટેના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા માટે બે દિવસમાં 60,000થી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આ વર્ષે બદ્રીનાથના દ્વાર 27મી એપ્રિલે અને કેદારનાથના દ્વાર 25મી એપ્રિલે ખુલશે. ત્યારે આ વર્ષે ચારધામ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી તેવી સંભાવના છે.
શું કહે છે વહીવટી તંત્ર ?
મળતી માહિતી મુજબ, બદ્રીનાથ અને કેદારનાથ ધામો માટે યાત્રાળુઓનું રજીસ્ટ્રેશન મંગળવારથી શરૂ થયું હતું. ત્યારે આ અંગે પર્યટનના નાયબ નિયામક યોગેન્દ્ર ગંગવારે કહ્યું કે, પ્રથમ બે દિવસમાં 61,250 લોકોએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત કોવિડના કારણે બે વર્ષના લાંબા ગાળા બાદ ગત વર્ષે પૂરજોશમાં શરૂ થયેલી ચારધામ યાત્રામાં રેકોર્ડ 47 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને આ વર્ષે આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે તેમ શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું.
યાત્રા દરમિયાન જોશીમઠ અત્યંત સંવેદનશીલ
વધુમાં શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, આ વખતે પણ અહીં આવનારા યાત્રાળુઓની સંખ્યા ઘણી વધુ હશે. જોશીમઠ જમીન ધસી પડવાના સંકટની યાત્રાળુઓની સંખ્યા પર અસર અંગે પૂછાતા અજેન્દ્રએ કહ્યું કે, રાજ્ય સરકારે સલામત અને સરળ મુસાફરી કરવા માટે શહેરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ટીમને તૈનાત કરવા અને ત્યાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સ્થાપના જેવા તમામ સાવચેતીનાં પગલાં લીધાં છે.