અમદાવાદ, 15 ઓગસ્ટ 2024, ગુજરાતમાં હાલમાં શિક્ષકો ચાલુ ફરજે વિદેશ જઈને મ્હાલતા હોવાનો મામલો વધુ ગરમ થયો છે. રાજ્ય સરકારે સતત ગેરહાજર રહેનારા 130થી વધુ શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે શાળા સંચાલક મંડળે પણ લાંબી રજા રાખીને વિદેશ જતા રહેલા શિક્ષકો સામે કાર્યવાહીની માંગ કરી છે. સંચાલક મંડળનું કહેવું છે કે, રજા લઈને વિદેશ જતા રહેલા શિક્ષકોનું રાજીનામું લઈ લેવું જોઈએ.આ એક પ્રકારનું દુષ્કૃત્ય જ કહેવાય જેથી છેતરપિંડી અને દેશદ્રોહની કલમ પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ.
શિક્ષકોના વિઝાની ચકાસણી થવી જોઈએઃ ભાસ્કર પટેલ
આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, આ ભૂતિયા શિક્ષકો કાયમી શિક્ષકો જ હોય છે. પરદેશમાં જઈને પણ આ શિક્ષકો નોકરી જ કરતા હોય છે. જ્યારે શિક્ષકો વિદેશ જવાની રજા લેવા માટે આવે ત્યારે તેમના વિઝાની ચકાસણી થવી જોઈએ.શિક્ષકો બંને જગ્યાએ નામ ચાલુ રાખીને નોકરી કરતા હોય છે.વિદેશ ગાયેલા શિક્ષકો પોતાનો અહીં મળતો હક ચાલુ રાખવા માટે જ માહિતી છુપાવતા હોય છે. શિક્ષકો વિદેશ જતા રહેતા હોવાથી બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે.
શિક્ષકોના પગાર રિકવરી કરવાની સજા કરવી જોઈએ
કાયમી શિક્ષક જ્યારે રજા ઉપર હોય ત્યારે તેની જગ્યાએ પ્રવાસી શિક્ષક મળતા નથી, જેથી તે જગ્યાએ ખાલી જ રહે છે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા રજાના નિયમો વધુ કડક કરવા જોઈએ. ચોક્સાઈ બાદ જ રજા મંજૂર કરવી જોઈએ. આ પ્રકારના શિક્ષકોને છોડવામાં ન આવવા જોઈએ. કારણ કે, શિક્ષકો દહીં અને દૂધ બંનેમાં પગ રાખતા હોય છે. રજા લઈને વિદેશ જતું રહેવું એ પણ એક પ્રકારનું પ્લાન કરેલું દુષ્કૃત્ય કહેવાય. આ પ્રકારના શિક્ષકોને સસ્પેન્ડ કરીને રાજીનામુ લેવું જોઈએ. શિક્ષકોના પગાર રિકવરી કરવાની સજા કરવી જોઈએ. આવા શિક્ષકો સામે સરકાર સાથે છેતરપિંડી અને દેશદ્રોહની કલમ પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચોઃગુજરાત સરકાર એક્શનમાંઃ લાંબા સમયથી સ્કૂલમાં ગેરહાજર રહેલા 134 શિક્ષકો સસ્પેન્ડ