વડગામના મેમદપુરમાં રેડ, અનાજનો રૂ. 1,95,000 થી વધુ જથ્થો કરાયો સીઝ
પાલનપુર 21 ડિસેમ્બર 2023 : બનાસકાંઠામાં વડગામના મમદપુર ખાતે સરકારી અનાજને રેશનકાર્ડ ધારકો પાસેથી ખરીદીને સંગ્રહ કરી રાખવા અંગેની બાતમી મળતાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ અનાજનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની સૂચના પ્રમાણે મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર તેમજ તમામ પુરવઠા નિરીક્ષકોની ટીમ અને મામલતદાર વડગામની ટીમ દ્વારા વડગામ તાલુકાના મેમદપુર ગામમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં વિજયભાઈ પરમાર દ્વારા વાહનમાં સરકારી વાજબી ભાવની દુકાનોમાંથી વિતરણ કરાયેલો અનાજનો જથ્થો હોવાનું ફલિત થયું હતું.
આ કેસમાં કરવામાં આવેલી તપાસમાં વિજયભાઈ પરમારના વાહનમાંથી 7541 રૂપિયાની કિંમતના 279 કિલો ઘઉંના 6 કટ્ટા, 62517 રૂપિયાની કિંમતના 2232 કિલો ચોખાના 53 કટ્ટા સહિત વાહન (છોટા હાથી) કબજે કરવામાં આવ્યું છે.
વિજય પરમારે વાજબી ભાવની દુકાનમાંથી રેશનકાર્ડ ધારકોએ ખરીદેલા અનાજનો જથ્થો ખરીદીને તેના વાહનમાં સંગ્રહ કરી રાખ્યો હતો. વહીવટીતંત્રની ટીમ દ્વારા કુલ રૂ.1,95,058.10/-(અંકે રૂપિયા એક લાખ પંચાણું હજાર અઠ્ઠાવન પુરા) નો ગેરકાયદેસર જથ્થો તથા એક વાહન સીઝ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : નેટ ઝીરો વોટર ઇનબિલ્ટ એન્વાયરમેન્ટ’ વિષય વસ્તુ સાથે 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો પ્રારંભ