ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં IMDનું રેડ એલર્ટ! ઘણા જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ, રસ્તાઓ પાણી-પાણી

  • મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અને લોકો મુશ્કેલીમાં મુકાયા

મુંબઈ, 26 સપ્ટેમ્બર: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલો અનુસાર, મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે ઘણી જગ્યાએ નદીની માફક પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે (IMD) આજે ગુરુવારે મુંબઈ સહિત અનેક ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે થાણે અને નાસિકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વરસાદને કારણે થઈ રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મુંબઈ, પુણે અને પિંપરી-ચિંચવડની તમામ શાળાઓ અને કોલેજોને આજે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ પ્રશાસને લોકોને અપીલ કરી છે કે, તેઓ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે.

અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા

દેશની આર્થિક રાજધાની મુંબઈની હાલત વરસાદને કારણે ખૂબ જ ખરાબ છે. મુંબઈ જેને માયાનગરી કહેવામાં આવે છે તે ભારે વરસાદને કારણે ‘વોટર સિટી’માં ફેરવાઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકલ ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ છે. ઘણા વિસ્તારોમાંથી શેરીઓ અને ઘરોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે. લોકોને તેમના ઘરોમાંથી આવશ્યક ચીજવસ્તુઓ હટાવીને સલામત સ્થળે લઈ જવાની ફરજ પડી છે. કુર્લા પૂર્વથી ગોરેગાંવ સુધીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.

 

બુધવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો

અંધેરીથી અંબોલી અને ગોરેગાંવથી ઘાટકોપર સુધી બુધવારે બધે જ પાણી જોવા મળ્યું હતું, જોકે આજે ગુરુવારે પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. બુધવારે પાણી ભરાવાને કારણે લોકોને ઘર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદનું ‘રેડ’ એલર્ટ જાહેર કર્યું છે તેમજ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. બુધવારે પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનોની અવરજવરને પણ થોડો સમય અસર થઈ હતી. મુંબઈ પોલીસે લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે અને માત્ર જરૂરી કામ માટે જ બહાર જવાની સૂચના આપી છે.

આ પણ જૂઓ: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો કયા છે રેડ એલર્ટ

Back to top button