અમેરિકાના ફ્લોરિડામાં વિનાશક વાવાઝોડાને કારણે રેડ એલર્ટ જાહેર, 4 રાજ્યોમાં તબાહી, 2નાં મોત
- અમેરિકાના ફ્લોરિડામાં ઇડાલિયા વાવાઝોડાને કારણે રેડ એલર્ટ
- દરિયાકાઠાં વિસ્તારના લોકોને ચેતવણી
અમેરિકાના ફ્લોરિડામાં વિનાશક વાવાઝોડાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાને ઇડાલિયા નામ આપવામાં આવ્યું છે જે ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહ્યું છે, અને તે વધુ તીવ્ર બન્યું છે. ચક્રવાત ઇડાલિયા અમેરિકાના 4 રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. બુધવારે ફ્લોરિડાના બિગ બેન્ડમાં લેન્ડફોલ કર્યા બાદ આ વાવાઝોડાંને કારણે અત્યાર સુધીમાં 2 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,ફ્લોરિડા બાદ આ તોફાન જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના તરફ આગળ વધ્યું છે. જેના કારણે જ્યોર્જિયા અને ફ્લોરિડામાં લગભગ 4.5 લાખ લોકોના ઘરોમાં વીજળી નથી.ઇડાલિયા વાવાઝોડાને કારણે લગભગ 900 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. લેન્ડફોલ સમયે, ચક્રવાત કેટેગરી 4 થી કેટેગરી 3 માં ખસી ગયું હતું. જેના કારણે પવનની ઝડપ 200 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈડાલિયા ફ્લોરિડાના 100 વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક તોફાન છે. વાવાઝોડાંને જોતા ચારેય રાજ્યોમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે.
વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું
અમેરિકાના ફ્લોરિડામાં ઇડાલિયા વાવાઝોડાની તીવ્રતાને જોતા વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસને દરિયાકિનારાની નજીક રહેતા લોકોને ભારે પવન અને પૂરના જોખમથી બચવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી કરી છે. અધિકારીઓએ સીડર ટાપુના રહેવાસીઓને ચેતવણી આપી છે કે ઇડાલિયાથી તોફાન ખૂબ વધારે ઘાતક હોઈ શકે છે. લગભગ 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. વહીવટીતંત્રે અહીં રહેતા 900 પરિવારોને તોફાનથી બચવા માટે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરી છે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોએ શક્ય તેટલી વહેલી તકે દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા જોઈએ અને સુરક્ષિત સ્થળોએ જવું જોઈએ.
55 હજાર સૈનિકો તહેનાત કરવામાં આવ્યા હતા
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર ચક્રવાતને કારણે ઘણી પાવર લાઈનોને નુકસાન થયું છે. આ ઉપરાંત, ઘણી કાઉન્ટીઓમાં, ભારે પવનથી સ્ટોર્સ નાશ પામ્યા હતા અને કેટલીક વેપારી વસાહતોમાં પણ આગ લાગી હતી. 30 ફ્લોરિડા કાઉન્ટીઓના લોકોને બુધવારે લેન્ડફોલ પહેલા તેમના ઘર છોડવા વિનંતી કરવામાં આવી હતી. લગભગ 55 હજાર સૈનિકોને રાહત અને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવ્યા હતા.
વાવાઝોડાની ઝડપ વધશે
ઈડાલિયા વાવાઝોડાના કારણે પ્રશાસને દક્ષિણ કેરોલિનામાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠે પહોંચતા પહેલા આ વાવાઝોડાની ઝડપ વધુ વધશે. હાલ વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ પણ વાંચો : ચેર સંરક્ષણ દિવસ: વાવાઝોડા-દરિયાઈ તોફાનો સામે ચેરના વૃક્ષો કુદરતી કવચ સમાન