અંજાર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની ભર્તી
ભુજ, 13 ડિસેમ્બર, 2023: કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સને ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બંધ રહેલા/ચાર્જમાં આપેલા મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે.
આ માટેનું નિયત અરજી ફોર્મ અંજાર મામલતદાર કચેરી, અંજારથી મેળવીને સંપુર્ણ વિગત ભરીને અત્રેની કચેરીએ શનિવારે તા.૩૦/૧૨/૨૦૨૩ ના રોજ કચેરી સમય સુધીમાં મળે તે રીતે ટપાલથી /રૂબરૂ મામલતદાર કચેરી અંજાર મોકલી આપવાની રહેશે. તા.૩૧/૧૨/૨૦૨૩ બાદ મળેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
સ્થાનિક વિધવા ત્યક્તા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અગાઉ કરેલી અરજી માન્ય રહેશે નહીં. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. અગાઉ ગેરરીતિ સબબ છુટા કરેલા સંચાલકોને નિમણૂક માટે લાયક ગણવામાં આવશે નહીં.
દુધઇ વાડી પ્રાથમિક શાળા દુધઇ વાડી, મારીંગણા મારીંગણા, તુણા કુંભારવાસ પ્રાથમિક શાળા તુણા, મીઠા પસવારીયા મીઠા પસવારીયા, બીટા વલાડીયા (આ) બીટા વલાડીયા, ચકારમોરા વાંઢ ચકારમોરા વાંઢની શાળાઓ માટે આ અરજીઓ મગાવવામાં આવે છે.
ઉમેદવારી માટેની જરૂરી લાયકાત- (૧) શૈક્ષણિક લાયકાત – એસ.એસ.સી.પાસ. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહિ મળે તો તેનાથી નીચે ધોરણ –૭ પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. (૨) વય મર્યાદા – તમામ ઉમેદવાર માટે ૨૦ થી ૬૦ વર્ષની રહેશે. (૩) આ અંગે અન્ય શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે.
અરજી સાથે રજુ કરવાના જરુરી આધાર પુરાવા (૧) શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ (૨) ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.) (૩) રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડની નકલ (૪) જાતિ અંગેનું પ્રમાણપત્ર (૫) સ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલા અન્ય આધાર (૬) એસ.બી.આઇ. બેંક ખાતા નંબર/પાસબુકની ઝેરોક્ષ નકલ (૭) તબીબી પ્રમાણપત્ર (૮) પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર (ફોજદારી ગુનો નોંધાયેલા ન હોવા અંગેનું) ઉપરોકત તમામ આધાર પુરાવાઓની પ્રમાણીત નકલો રજૂ કરવાની રહેશે. અરજદારે અરજી ફોર્મ અઘિકારીશ્રીની ખરાઇ કર્યા બાદ જ આવક શાખામાં રજૂ કરવું. ખરાઇ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહીં તેવું મામલતદાર અંજારની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસ સાંસદના ઘરે છૂપો ખજાનો શોધવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ