હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા, ખેડૂતોમાં જોવા મળી ખુશી

રાજ્યમા કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોનો ઘઉંનો પાક બગડી ગયો છે. જેના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થવા પામ્યું છે ત્યારે આ વચ્ચે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ઘઉંનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના રેકોર્ડ બ્રેક ભાવ
ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના સારા ભાવ મળી રહ્યા છે. જેને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો તેમના ઘઉંને વેચવા માટે આવી રહ્યા છે. હાલ હિંમત નરગમાં ખેડૂતોને ઘઉંના રેકોર્ડ બ્રેક 836 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે.જેના કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ છવાયો છે.
ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશી
એક તરફ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ઘઉંની ગુણવત્તા બગડવાની અને ભાવ ન મળવાની આશંકાએ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. ત્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં કેશરપુરાના ઘઉંનો રેકોર્ડ બ્રેક રુ. 836 પ્રતિ મણનો ભાવ બોલાયો હતો. આમ ઘઉંના ઉંચા ભાવ બોલાતા અહીના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને અહી મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉં લઈને વેચવા માટે આવી રહ્યા છે.
હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની મોટા પ્રમાણમાં આવક
હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઈ છે. માર્કેટયાર્ડમાં ગુરુવારે 8355 બોરી ઘઉંની આવક થઈ હતી. આ વિસ્તારના ઘઉં ચમકતા અને દળદાર હોય છે જેને કારણે મહત્તમ ભાવ મળતો હોય છે. ત્યારે આ વખતે જિલ્લામાં ઘઉંનુ 76,000 હેક્ટરમાં વાવેતર થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘઉંના ભાવ ઓછા મળવાની ચિંતા સતાવી રહી હતી. ત્યારે આ વચ્ચે હિંમતનગરના ઓપન માર્કેટમાં જાહેર હરાજીમાં 421થી 836 રૂપિયા સુધીના ભાવ બોલાયો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પરંતું હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળી રહ્યા છે.
જાણો કેવા પ્રકારના ઘઉંનો કેટલો ભાવ મળ્યો
હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોને 430 થી લઈને 836 સુધી ભાવ મળી રહ્યા છે. અને જો કોઈના પલળેલા ઘઉં હોય તેમા સરેરાશ 450થી લઈ 500ની આસપાસ ભાવ મળી રહ્યા છે. અને જો ઘઉં સારા હોય તેના 670 થી લઈને 836 સુધી ભાવ મળી રહ્યા છે.આ ઘઉંના સારા ભાવ મળતા આસપાસના જિલ્લા જેવા કે અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠાના ખેડૂતો પણ તેમના ઘઉં વેચવા માટે વહેલી સવારથી આવી જતા હોય છે. એટલુ જ મહી પરંતુ બીજા દિવસની હરાજી માટે એડવાન્સમાં લાઈન લગાવી ને ઉભા રહે છે.
આ પણ વાંચો : ફ્રિજનો આ રીતે ઉપયોગ કદી ન કરતા, લાઈટબિલ ભુક્કા કાઢશે