મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCP ગઠબંધન સરકાર પરના સંકટ વચ્ચે શરદ પવારે મુંબઈમાં YB ચવ્હાણ સેન્ટરમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં શરદ પવારે નેતાઓને કહ્યું કે NCP મહાવિકાસ અઘાડી (MVA) સાથે છે. છેલ્લી ઘડી સુધી લડશે.
બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે વિધાનસભામાં બહુમતી નક્કી થશે. ઉદ્ધવ ઠાકરે પાસે બહુમતી છે. સરકાર બચાવવા માટે તમામ પ્રયાસો કરશે. સંજય રાઉતના નિવેદન પર તેમણે કહ્યું કે રાઉતે કહ્યું છે કે તેમને જે કહેવું હોય તે (બળવાખોર ધારાસભ્યો) મુંબઈ આવીને બોલે. ઉદ્ધવ ઠાકરેએ પણ આ જ વાત કહી છે.
પવારના નિવેદન પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર ધારાસભ્યોની MVA છોડવાની માંગ પર “વિચાર કરવા” તૈયાર છે. સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કર્યા બાદ આ નિવેદન આપ્યું છે.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ માંગ કરી છે કે શિવસેના મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથેનું ગઠબંધન તોડીને ભાજપ સાથે સરકાર બનાવે. એકનાથ શિંદે લગભગ 45 ધારાસભ્યો સાથે ગુવાહાટીની એક હોટલમાં પડાવ નાખી રહ્યા છે.
સંજય રાઉતના નિવેદન પર અજિત પવારે કહ્યું કે તે તેમનો અધિકાર છે. તેણે આવું કેમ કહ્યું, મને ખબર નથી. હું ચોક્કસપણે ઉદ્ધવ ઠાકરેને પૂછીશ કે સંજય રાઉતે આવું કેમ કહ્યું? અમે અંત સુધી ઉદ્ધવની પડખે ઊભા રહીશું. એનસીપીના તમામ ધારાસભ્યો એમવીએને સમર્થન આપી રહ્યા છે, અમે આનાથી પીછેહઠ કરવાના નથી. શરદ પવારની બેઠકમાં તમામ ધારાસભ્યો, સાંસદો અને નેતાઓ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અજિત પવારે કહ્યું કે અમારી ભૂમિકા અઘાડી સરકાર ચલાવવાની છે. સરકારને ટકાવી રાખવાની જવાબદારી અમારા ત્રણેયની છે.