

રખડતા ઢોર નિયંત્રણ કાયદાની જોગવાઇઓ પાછી ખેંચવા માંગ
પ્રદેશ કારોબારી સભ્ય વિશાલ દેસાઇએ CM પટેલને લખ્યો પત્ર
સુરત
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના શહેર સુરતમાંથી જ ભાજપ સરકારની નીતિઓ સામે ભાજપના જ પદાધિકારીએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે.
જે રીતે વિધાનસભામા બજેટ સત્રના છેલ્લા દિવસ ૩૧ માર્ચને ગુરૂવારની મધરાત સુધી કોંગ્રેસના ધારાસભ્યએ શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનુ મોરડિયાએ રજૂ કરેલા શહેરી વિસ્તારમા રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (કાયદા) સામે વિરોધ નોંધાવ્યો હતો બરાબર એ જ રીતે હવે ભાજપમાંથી પણ બંડ શરુ થયો છે.
સુરતના વિશાલ દેસાઇ કે જેઓ પ્રદેશ ભાજપમા કારોબારીનુ પદ ધરાવે છે એમણે પાટીલને રૂબરૂ મળીને આ કાયદામા શહેરોમા ગાય રાખવા ફરજીયાત લાયસન્સ, દંડ, પોલીસ ફરિયાદ અને જેલની સજા સહિતની જોગવાઈઓ પાછી ખેંચવા માંગણી કરી છે. આવા કાયદાથી પોતાનો રબારી સમાજ ભાજપ સામે સખત વ્યથિત હોવાની હૈયાવરાળ ઠાલવતા તેમણે સમાજ સાથે સંવાદ રચવા પણ સુચન કર્યુ છે. બજેટ સત્રના છેલ્લા દિવસે સરકારે બહુમતીના જોરે કાયદો તો મંજુર કરાવી દિધો પણ હવે તેને રાજ્યપાલ મંજુરી આપે અને અમલમા મૂકે તે પહેલા જ ભાજપમાંથી વિરોધ વંટોળ ઉભો થયો છે.
ઉલ્લેખનિય છે કે, વિનુ મોરડીયા પણ સુરતમાંથી ચૂંટાઇને મંત્રીપદે પહોંચ્યા છે. હવે તેઓ ભાજપમાંથી જ શરૂ થયેલા વિરોધને તાબે થાય છે કે પછી વિધાનસભામા જાહેર કર્યા મુજબ આ કાયદાનો કડક અમલ કરાવે છે તેના ઉપર સૌની નજર છે.