બળવાખોર વેગનર ગ્રૂપનો દાવો, “Russiaને ટૂંક સમયમાં મળશે નવા રાષ્ટ્રપતિ”
એક સમયે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી નજીક લોકોમાંના એક એવા યેવજેની પ્રિગોઝિને તેમની સામે જ મોરચો ખોલ્યો છે. વેગનર ગ્રુપના વડાએ પુતિનને સત્તા પરથી ઉથલાવી દેવાની ધમકી આપી છે. જેના જવાબમાં પુતિને વેગનર ગ્રુપને કચડી નાખવાની વાત કરી હતી. પુતિનના આ નિવેદન પર પ્રિગોઝિને કહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિએ તેમના ભાષણ દરમિયાન ખોટા વિકલ્પને પસંદ કર્યો અને હવે રશિયાને ટૂંક સમયમાં જ નવા રાષ્ટ્રપતિ મળશે.
યેવજેની પ્રિગોઝિનની આગેવાની હેઠળના વેગનર જૂથના પ્રાઈવેટ લડવૈયાઓએ 2 રશિયન શહેરો પર નિયંત્રણનો દાવો કર્યો છે. આ સાથે, વેગનર જૂથે દાવો કર્યો છે કે તેના સૈનિકોએ 3 રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે.
વેગનેરે મુશ્કેલ સમયમાં રશિયા સાથે દગો કર્યો: પુતિન
વેગનર ગ્રૂપના વિદ્રોહ પછી રાષ્ટ્રને આપેલા સંબોધનમાં, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે વેગનેરે મુશ્કેલ સમયમાં રશિયા સાથે દગો કર્યો છે અને સૈન્યને પડકાર ફેંક્યો છે. સેના સામે હથિયાર ઉઠાવનાર દરેક દેશદ્રોહી છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રિગોઝિને રશિયાને “દગો” આપ્યો છે. આ આપણા લોકોની પીઠ પર હુમલો કરવા જેવું છે. અંગત સ્વાર્થોને કારણે તેણે પીઠમાં છરો માર્યો છે. તેમણે કહ્યું કે રશિયા તેના ભવિષ્ય માટે પૂરી તાકાતથી લડી રહ્યું છે. પરંતુ અમારો જવાબ વધુ કઠોર હશે.
પુતિનનો વિદ્રોહીઓને મારી નાંખવાનો આદેશ
પોતાના સંબોધન દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે જેણે પણ દેશની સેના સામે હથિયાર ઉઠાવ્યા છે તેને સજા મળશે. તેઓ આપણને હાર અને શરણાગતિ તરફ ધકેલી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે હું બંધારણ અને લોકોની રક્ષા માટે બધું જ કરીશ. આ સાથે તેણે સેનાના કમાન્ડરોને વિદ્રોહીઓને મારી નાંખવાનો આદેશ આપ્યો છે.
“પશ્ચિમનું પુરું સૈન્ય અમારા વિરુદ્ધ લડાઈ લડી રહ્યુ છે”
પુતિને કહ્યું કે જ્યારે રશિયા તેના ભવિષ્ય માટે સૌથી મુશ્કેલ યુદ્ધ લડી રહ્યું છે, તે દરમિયાન અમારી સાથે દગો થયો. પુતિને વધુમાં કહ્યું કે પશ્ચિમનું પુરું સૈન્ય અમારા વિરુદ્ધ લડાઈ લડી રહ્યુ છે.
આ પણ વાંચો: વેગનર ચીફનો દાવો, ‘યુનિટને મોસ્કો તરફ મોકલવામાં આવ્યું છે, રશિયાના ઘણા વિસ્તારોમાં કડક સુરક્ષા’