વિધાનસભા ચૂંટણી જાહેર થતાં જ રિયલ એસ્ટેટ માર્કેટ સ્થિર : દસ્તાવેજની કામગીરી ઠપ્પ
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રિયલ એસ્ટેટ ક્ષેત્રે માર્કેટ સ્થિર થઇ જતાં ઇન્વેસ્ટ કરનારાઓની સ્થિતિ દયનિય બની ગઇ છે. દિવાળીના તહેવાર પૂર્વે જમીન-મકાનનાં સોદા કરી ચુકેલા અનેક આસામીઓના દસ્તાવેજ હાલ અટકી ગયા છે. સાટાખત કરાવ્યા બાદ 30થી 90 દિવસની અંદર જમીન-મકાનના દસ્તાવેજ કરી લેવાના હોય છે. પરંતુ તહેવારો પૂર્ણ થયા બાદ બજારો, કચેરીઓ રાબેતા મુજબ હજુ ધમધમતા થાય તે પૂર્વે જ આચારસંહિતાની આફત આવી જતા દસ્તાવેજો કેમ કરવા ? તેની મુંઝવણ વેંચનાર અને લેનાર બન્ને પક્ષકારોને થઇ રહી છે. જો કે, મોરગેજ દસ્તાવેજની સંખ્યા વધી છે.
નાણાકીય લેવડ-દેવડ કરતા લોકો ઉપર વોચ
તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા અમલમાં આવી ગઇ હતી. તેની સાથોસાથ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચેકિંગ, ફ્લાઇંગ, સ્ટેટિક સહિતની વિવિધ સ્કવોડની રચના કરી 23 જેટલા નાકા ઉપર પોલીસ ગોઠવી નાણાકીય લેવડ-દેવડ કરતા લોકો ઉપર વોચ રાખવાનું શરુ કરી દેવાયુ જેના પગલે દસ્તાવેજ કરનાર કે ટોકન આપી ચુકેલા જમીન-મકાન ખરીદી માટેના આસામીઓ ઓનના પેમેન્ટ આપતાં ખચકાય છે. દસ્તાવેજ વખતે અમુક નાણા વ્હાઇટના આપવા માટે જાય અને પકડાઇ જાય તો નાણા જાય તેની મૂંઝવણ છે.
આ પણ વાંચો : શું વાયરલ થઈ રહેલ તસવીરો ખરેખર આલિયાની દીકરીની છે ? : જાણો શું છે સત્ય !
જમીન-મકાનના ટોકન અપાઇ ગયા બાદ દસ્તાવેજ માટે ચૂંટણી બાદની મુદ્દત અપાઇ
ચૂંટણીના પગલે રાજકોટ શહેર તેમજ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓ સૂમસામ બની ગઇ છે. મિલકત નોંધણી માટેના દસ્તાવેજ ઠપ્પ થઇ ગયા છે. અગાઉ દૈનિક 37 જેટલા દસ્તાવેજ નોંધાતા હતા તેમાં હવે 10 પણ માંડ નોંધાય છે. દસ્તાવેજ કરતી વખતે ઓનના બાકીના નાણા સામાપક્ષે (વેચનારને) ચુકવી દેવાના હોય છે. લાખોની રકમ કચેરી કે વકીલની ઓફિસ સુધીની અવર-જવર દરમિયાન લઇ જવાની હિંમત કોઇ કરતું નથી. પરિણામે સાટાખત કે ટોકન આપી જમીન-મકાનનાં સોદા કર્યા હોય તેવા આસામીઓ હવે ચૂંટણી પૂર્ણ થયા બાદની મુદ્દતો આપવા લાગ્યા છે.