ક્ષત્રિય આંદોલન અને રૂપાલા વિરોધનો અંત લાવવા તખ્તો તૈયાર ! CM હાઉસે મહત્વની બેઠક


ગાંધીનગર, 15 એપ્રિલ : રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપે ઉમેદવાર બનાવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે આપેલા નિવેદનના કારણે મોટો વિવાદ ઉભો થયો છે. ત્યારે હવે આ વિવાદના કારણે ક્ષત્રિય સમાજ આંદોલન કરવા ઉપર ઉતરી આવ્યો છે. ત્યારે તેને થાળે પાડવા માટે તખ્તો તૈયાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યારે મુખ્યમંત્રી હાઉસ ખાતે મહત્વની બેઠક યોજાઇ રહી છે.
આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સી.આર. પાટીલ પણ રહે તેવી શક્યતા છે. જોકે, ક્ષત્રિય આંદોલનનો અંત આવી શકે છે એવો સંકેત આજે દિવસ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે આપ્યો હતો.
જનસભા અને રોડ-શો બાદ રૂપાલા ભરશે ઉમેદવારી પત્રક
રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે કાલે 16મી એપ્રિલે ઉમેદવારી પત્રક ભરવાના છે જેને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પહેલા જનસભા યોજાશે પછી રોડ શો કરવામાં આવશે. આટલું જ નહીં વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.
રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ
ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ગઈકાલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા હતા. જેમાં વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તા.19 સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.