સ્પોર્ટ્સ ડેસ્કઃ IPLની પંદરમી સિઝનની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં પ્રથમ વખત લીગમાં ભાગ લઈ રહેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ મેચમાં ગુજરાતની નજર ડેબ્યૂ સિઝનમાં જ ટ્રોફી જીતવા પર છે. તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સની નજર 14 વર્ષ બાદ બીજું ટાઈટલ જીતવા પર હશે.
IPLની ફાઇનલ મેચોમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થાય છે અને રન પણ જોરદાર થાય છે. ચાલો ત્યારે અત્યાર સુધીમાં IPLની ફાઇનલ મેચોમાં કયા ખેલાડીએ સૌથી વધુ રન બનાવ્યા છે અને ફાઈનલ મેચોમાં કોણે સૌથી વધુ સિક્સ ફટકારી છે તેના ઉપર એક નજર કરીએ.
સૌથી વધુ રન અને સિક્સ મારવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે
મિસ્ટર આઈપીએલ તરીકે પ્રખ્યાત સુરેશ રૈના આ બંનેમાં સૌથી આગળ છે. IPLની ફાઇનલ મેચોમાં સૌથી વધુ 249 રનનો રેકોર્ડ પણ તેમના નામે છે. આ દરમિયાન તેમણે 13 સિક્સ પણ મારી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન બીજા સ્થાને છે. વોટસને IPLની ફાઇનલમાં 236 રન બનાવ્યા હતા અને આ દરમિયાન કુલ 13 સિક્સર પણ ફટકારી હતી. વોટસન અને રૈના સૌથી વધુ છગ્ગા ફટકારવાના કેસમાં એકસરખા સ્થાને છે.
IPL ફાઈનલમાં સુરેશ રૈના (249) પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં શેન વોટસન (236), ત્રીજા ક્રમે રોહિત શર્મા (183), ચોથા ક્રમે મુરલી વિજય (181), એમએસ ધોની (180) અને કિરોન પોલાર્ડ (180) છે.
જ્યારે સુરેશ રૈના અને શેન વોટસન આઈપીએલના ફાઇનલ મુકાબલામાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં સંયુક્ત રીતે નંબર વન પર છે. બંનેના નામે આઈપીએલની ફાઇનલ મેચમાં 13-13 છગ્ગા છે. તે પછી બીજા ક્રમે મુંબઈ ઈન્ડિયન્સનો કિરોન પોલાર્ડ (12), ત્રીજા ક્રમે એમએસ ધોની (11) અને ચોથા ક્રમે યુસુફ પઠાણ (10) છે.
જો રવિવારે રમાનારી ફાઈનલ મેચમાં બટલરનું બેટ ગુજરાત સામે જશે ‘જોશ’થી રમાશે તો તે કદાચ સૌથી વધુ સિક્સ મારનારા ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવશે.