જેમના માથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તે જ કાયદાનો ભંગ કરે તો શું કરવું? ગુનેગારોને પકડવા દોડતી રહેતી પોલીસના માથે આવા લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ તેમના કામ પર કલંકનો દાગ લગાડી દેતા હોય છે. ગુજરાતભરમાં અને અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મીઓએ જ તોડબાજી અને લાંચ લીધાના બનાવે પોલીસની ખાખી વર્દીને ધબ્બો લગાવ્યો છે. પોલીસ કર્મીઓ ફરજના નામે રોકડી કરવાથી લઈ અને કોઈના ઘરમાંથી દારૂ, સોનાના બિસ્કિટ પણ પડાવી લેતા જરાયે અચકાતા નથી. અમદાવાદના પોલીસ કમિશનરે પણ આવા કિસ્સાની નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે.
સટ્ટાની રેડ કરવા ગયેલી પોલીસને ચાંદી-ચાંદી
અમદાવાદ શહેરના સોલા વિસ્તારના એક ફલેટ પર સ્થાનિક પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ PSI જે.જે. રાણાએ ક્રિકેટ સટ્ટાના નામે રેડ પાડી હતી. ત્યારે રેડ પાડતા ઘરમાંથી 30 સોનાના બિસ્કીટ, યુએસ ડોલરનો જથ્થો, 35 જેટલી બ્લ્યુલેબલની મોંઘીદાટ સ્કોચ વ્હીસ્કી બોટલો હાથે લાગી હતી. આ બધાને મુદ્દામાલ દર્શાવી PSI રાણા પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા. પરંતુ આમાંથી કશું મુદ્દામાલ તરીકે ચોપડે નોંધ્યું નહોતું. આ કેસની પતાવટ માટે લાખો રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેને પગલે ઇન્ચાર્જ અધિકારી, એક ઉચ્ચ અધિકારીના માણસે અને ડિસ્ટાફે પૈસા લીધા હોવાની ફરિયાદ પોલીસ કમિશનર સુધી ગઈ હતી. આ કેસમાં PSI જે. જે. રાણાએ મુખ્ય રોલ ભજવ્યો હતો. ત્યારે આ ઘટના બહાર આવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તેમને સસ્પેન્ડ કર્યા હતા. એટલું જ નહીં, આ મામલે વધુ તપાસના આદેશ પણ આપ્યા છે.
આ અંગે કડક કાર્યવાહી કરાશે: કમિશનર
આ ઘટનાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પોલીસ સામેની આવી ફરિયાદો ગંભીર મુદ્દો છે. પોલીસની છબિને બદનામ કરતા આવા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સામે લાલ આંખ કરી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી છે. હવે આવા કેસમાં ગુનો દાખલ કરવા સુધીની પણ પોલીસની તૈયારી છે.