નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી : સામાજિક બાબતોને લગતો કાયદો છે જે લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વારસો અને બાળક દત્તક લેવા વગેરે જેવી બાબતોમાં તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો, વિવિધ ધર્મો માટે અલગ નાગરિક કાયદા ન હોવા એ ‘યુનિફોર્મ સિવિલ કોડ‘ની મૂળ ભાવના છે. જે કોઈપણ સંપ્રદાય અથવા જાતિના તમામ વ્યક્તિગત કાયદાઓથી ઉપર છે.
સમાન નાગરિક સંહિતા એ ભારતમાં નાગરિકો માટે સમાન કાયદો બનાવવા અને અમલમાં મૂકવાની દરખાસ્ત છે જે તમામ નાગરિકોને તેમના ધર્મ, લિંગ અને જાતીય અભિગમને ધ્યાનમાં લીધા વગર સમાનરૂપે લાગુ પડશે. વિવિધ સમુદાયોના વ્યક્તિગત કાયદાઓ તેના ધાર્મિક ગ્રંથો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવી એ ભારતના શાસક ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલા વચનોમાંનું એક છે. ભારતીય બંધારણની કલમ 25-28 ભારતીય નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની બાંયધરી આપે છે અને ધાર્મિક જૂથોને તેમની પોતાની બાબતોનું સંચાલન કરવાની મંજૂરી આપે છે, બંધારણની કલમ 44 ભારતીય રાજ્ય પાસે અપેક્ષા રાખે છે કે તે રાષ્ટ્રીય નીતિઓ બનાવતી વખતે ભારતીય નાગરિકો માટે રાજ્યના નિર્દેશક સિદ્ધાંતો અને સમાન કાયદાઓ લાગુ કરે.
બ્રિટિશ ભારત (1858 – 1947)
વ્યક્તિગત કાયદાઓ સૌ પ્રથમ બ્રિટિશ રાજ દરમિયાન મુખ્યત્વે હિંદુ અને મુસ્લિમ નાગરિકો માટે ઘડવામાં આવ્યા હતા. અંગ્રેજોને સમુદાયના નેતાઓના વિરોધનો ડર હતો, તેથી તે સ્થાનિક ક્ષેત્રમાં વધુ દખલ કરવાનું ટાળતા હતા. ભારતીય રાજ્ય ગોવા જે તે સમયે પોર્ટુગલના વસાહતી શાસન હેઠળ બ્રિટિશ ભારતથી અલગ હતું, તેથી ત્યાં સમાન પારિવારિક કાયદો જાળવી રાખવામાં આવ્યો હતો જેને ગોવા સિવિલ કોડ તરીકે ઓળખવામાં આવે છે, ભારતમાં તે આજ સુધી સમાન નાગરિક સંહિતા વાળું એકમાત્ર રાજ્ય છે. ભારતની આઝાદી પછી, હિંદુ કોડ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેણે બૌદ્ધ, હિંદુ, જૈન અને શીખ જેવા ભારતીય ધર્મોના વિવિધ સંપ્રદાયોમાં મોટાભાગે વ્યક્તિગત કાયદાઓને સંહિતાબદ્ધ કરીને સુધાર્યા હતા, પરંતુ ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમો અને પારસીઓને આ અંગે મુક્તિ આપવામાં આવી હતી. તેને હિંદુઓથી અલગ સમુદાય તરીકે માન્યતા આપવામાં આવી હતી.
આ પ્રક્રિયા 1882ના હેસ્ટિંગ્સ પ્લાનથી શરૂ થઈ હતી અને શરિયત કાયદાના અમલ સાથે સમાપ્ત થઈ હતી. જ્યારે કહેવાતા બિનસાંપ્રદાયિકોએ મુસ્લિમ છૂટાછેડા અને લગ્ન કાયદાનો અમલ કર્યો ત્યારે સમાન નાગરિકતા કાયદો નબળો પડવા લાગ્યો. 1929 માં, જમિયત-અલ-ઉલામાએ મુસ્લિમોને બાળ લગ્ન રોકવા માટે અવજ્ઞા ચળવળમાં જોડાવા માટે અપીલ કરી હતી. આ અવજ્ઞા ચળવળનો અંત એ સમાધાન સાથે થયો જેણે મુસ્લિમ ન્યાયાધીશોને મુસ્લિમ લગ્નો તોડવાની મંજૂરી આપી.
ભારતીય બંધારણ અને સમાન નાગરિક સંહિતા
હું અંગત રીતે એ સમજી શકતો નથી કે, કોઈપણ ધર્મને આટલું વિશાળ,વ્યાપક અધિકારક્ષેત્ર શા માટે આપવું જોઈએ. આવી સ્થિતિમાં ધર્મ જીવનના દરેક પાસામાં હસ્તક્ષેપ કરશે અને વિધાનસભાને તે ક્ષેત્ર પર અતિક્રમણ કરતા અટકાવશે. આપણને આ સ્વતંત્રતા શું કરવા માટે મળી છે? આપણી સામાજિક વ્યવસ્થા અસમાનતા, ભેદભાવ અને અન્ય બાબતોથી ભરેલી છે. આ સ્વતંત્રતા આપણને એટલા માટે મળી છે કે આપણે આ સામાજિક વ્યવસ્થામાં જ્યાં આપણા મૂળભૂત અધિકારોમાં વિરોધ છે ત્યાં સુધારા કરી શકીએ.- બી.આર. આંબેડકર
1930માં જવાહરલાલ નેહરુએ યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કર્યું હોવા છતાં તેમને વરિષ્ઠ નેતાઓના વિરોધનો સામનો કરવો પડ્યો.
યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ 4 ની કલમ 44 અનુસાર, નીતિ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સમાન નાગરિક કાયદો લાગુ કરવાનો હેતુ મુખ્ય રહેશે. સર્વોચ્ચ અદાલતે પણ ઘણી વખત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કેન્દ્ર સરકારના મંતવ્યો મેળવ્યા છે.
સમાન નાગરિક કાયદામાં પાંચ મુખ્ય ઘટકો છે :
1. લગ્ન (Marriage)
2. છૂટાછેડા (Divorce)
3. ભરણપોષણ (Maintenance)
4. વારસો (Inheritance)
5. દત્તક (Adoption)
10 મુદ્દાઓમાં સમાન નાગરિક કાયદો
1. આ કાયદો હિંદુ-મુસ્લિમ વિવાદ સાથે સંબંધિત નથી.
2. આ બહુમતી અને લઘુમતી જેવા શબ્દો પહેલાનો કાયદો છે.
3. યુનિફોર્મને બદલે તેને ‘કોમન સિવિલ લો’ નામ આપવામાં આવ્યું છે.
4. તેથી, કાયદાના પક્ષ- વિપક્ષની ચર્ચા તેની જોગવાઈઓના આધારે કરવી જોઈએ.
5. તેથી, આ એક સ્પષ્ટ કાયદો છે, જે ઉપર જણાવેલ વિષયો સાથે ગેરસમજ ન થવો જોઈએ.
6. આ એક પ્રગતિશીલ કાયદો છે.
7. છેલ્લા 75 વર્ષથી હિમાયતીઓ દ્વારા મહિલાઓ અને બાળકોને આ કાયદાથી વંચિત રાખવામાં આવ્યા છે.
8. તેથી, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોના અધિકારોને સુનિશ્ચિત કરવાનો છે.
9. આ કાયદો લોકોના અધિકારો છીનવી લેવા માટે નથી, પરંતુ તેમને અધિકારો આપવા માટે છે.
10.આ કાયદો સામાજિક ન્યાયની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.
શું આ કાયદો વિવિધ ધર્મોના વૈવાહિક રિવાજોને અસર કરશે?
ના, સમાન નાગરિક સંહિતા ક્યારેય કોઈ સમુદાય, ધર્મ, જાતિ, સંપ્રદાય અથવા અભિપ્રાયના રીતિ રિવાજો અને પરંપરાઓને કોઈ અસર કરશે નહીં. આ નાગરિક સંહિતાના વિરોધમાં આ મુદ્દાને જ અતિશયોક્તિ રીતે રાખવામાં આવે છે. પરંતુ, સત્ય એ છે કે દેશના બધા ધર્મો અને તેમની સંસ્કૃતિ કે રીતરિવાજો પર સમાન નાગરિક સંહિતા કોઈ અસર કરશે નહીં. જેમ કે મુસ્લિમોમાં ‘નિકાહ’, શીખોમાં ‘આનંદ કારજ’, હિંદુઓમાં ‘અગ્નિ સમક્ષ ફેરા’ અને ખ્રિસ્તીઓમાં ‘Holy Matrimony’ વગેરેમાં લગ્નવિધિ બધા ધર્મોની સંબંધિત માન્યતાઓના આધારે જ થશે.
શું આ કાયદો આદિવાસીઓના રિવાજો અને પરંપરાઓને અસર કરશે?
ના, યુનિફોર્મ સિવિલ કોડ દેશની કોઈપણ જાતિના રિવાજો અને પરંપરાઓ પર કોઈ અસર કરશે નહીં. વાસ્તવમાં તેમના રીતિરિવાજો સાથે આ કાયદાને કોઈ લેવાદેવા નથી. દેશમાં તેમની જાળવણી માટે ભારત સરકાર અને બંધારણ સભામાં બંનેમાં તેની જોગવાઈઓ કરવામાં આવી છે.
ભારતની બંધારણ સભાનો અભિપ્રાય શું હતો?
બંધારણ સભામાં મૂળભૂત અધિકારો પરની પેટા સમિતિના બિનચૂંટાયેલા સભ્યે સમાન નાગરિક સંહિતાના વહેલા અમલીકરણની દરખાસ્ત કરી હતી. સમિતિના સભ્યો – M.I. મસાન, હંસા મહેતા અને રાજકુમારી અમૃત કૌરે કહ્યું, અમારું માનવું છે કે સમાન નાગરિક સંહિતા અંતર્ગત ભારતીય લોકોને 5 કે 10 વર્ષની વયે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકારની ખાતરી આપે છે, કલમ 23 મુજબ 10 વર્ષની અંદર તેને આપવામાં આવે તેની ખાતરી આપવી જોઈએ.
તેમજ, રાજકુમારી અમૃત કૌરે એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે સમાન નાગરિક કાયદાનો મૂળભૂત અધિકારોમાં સમાવેશ થવો જોઈએ. તેમણે બંધારણ સભાની સલાહકાર સમિતિને લખેલા પત્રમાં આ વાત કહી હતી.
શાહબાનો પ્રકરણ
વર્ષ 1978 માં શાહ બાનો બેગમ એક અશિક્ષિત મુસ્લિમ મહિલાએ તેના પતિ મોહમ્મદ અહમદ ખાન વિરુદ્ધ ઈન્દોર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ એક અરજી દાખલ કરી હતી. તે મહિલા 62 વર્ષની હતી અને તેના લગ્નને લગભગ 40 વર્ષ થઈ ગયા હતા. તેને પાંચ બાળકો પણ હતા. તેની ઉંમરના આ પડાવમાં તેના પતિએ તેને તલાક આપતા તે કોર્ટમાં ગયા હતા. જ્યાં તેને દર મહિને ₹25નું ભરણપોષણ ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, આ નિર્ણયથી તે સંતુષ્ટ ન થયા અને તેને આગળની ન્યાયાલયમાં અરજી કરી ત્યાં તેના પતિને ₹179.20 પ્રતિ માસ ચૂકવવાનું કહેવામાં આવતા તેને તે ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ, એપ્રિલ 1995માં તેણે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી. ત્યાં પણ તેના પતિને આજ નિર્ણય આપવામાં આવ્યો.
શાહે તેના પતિ દ્વારા છૂટાછેડા લીધા પછી, તેણીએ તેના ભરણપોષણ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. જ્યારે તેના પતિએ કોર્ટમાં કહ્યું કે કોડની કલમ 125 મુસ્લિમો પર લાગુ પડતી નથી. જો કે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કલમ 125 દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે.
આ ઉપરાંત, કોર્ટે એમ પણ કહ્યું કે, દુઃખની વાત છે કે કેન્દ્ર સરકારે હજુ સુધી સમાન નાગરિક સંહિતા બનાવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી. ત્યારે આપણા બંધારણની કલમ 44 એક મૃત પત્ર બનીને રહી ગઈ છે. દેશ માટે સામાન્ય નાગરિક સંહિતા ઘડવા માટે કોઈ સત્તાવાર પ્રવૃત્તિના કોઈ પુરાવા નથી. એક સામાન્ય નાગરિક સંહિતા વિરોધાભાસી વિચારધારા ધરાવતા કાયદાઓ પ્રત્યેની અસમાન વફાદારીને દૂર કરીને રાષ્ટ્રીય એકીકરણમાં મદદ કરશે.
સંસદમાં સમાન નાગરિક કાયદાની તરફેણમાં મુખ્ય પ્રસ્તાવ
1. 11 મે, 1962ના રોજ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શ્રીમતી સીતા પરમાનંદે એક ખાનગી બિલ રજૂ કર્યું. તે બિલનું શીર્ષક હતું, “યુનિફોર્મ સિવિલ કોડ ફોર ધ કન્ટ્રી”. તેમણે પ્રસ્તાવ મૂક્યો કે કલમ 44 હેઠળ દેશના તમામ નાગરિકોની સુરક્ષા માટે સરકારે સમગ્ર દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.
2. જુલાઈ 29, 1986ના રોજ કેન્દ્રીય વિધિ મંત્રી એચ.આર. ભાદ્વાજે વચન આપ્યું હતું કે સરકાર સમાન નાગરિકતા કાયદાના પ્રસ્તાવને આગળ વધારવા માટે ઝડપી પ્રયાસો કરી રહી છે.
3. 6 ઓગસ્ટ 1993ના રોજ, ભાજપના સાંસદ સુમિત્રા મહાજને સમાન નાગરિક કાયદાની તરફેણમાં લોકસભામાં એક બિલ રજૂ કર્યું, આ ગૃહ સરકારને વિનંતી કરે છે કે બંધારણના અનુચ્છેદ 44 માં સમાવિષ્ટ ઉદ્દેશો પ્રાપ્ત કરવા અને લાગણીઓને પ્રોત્સાહન આપવા માટે દેશના નાગરિકો વચ્ચે એકતા અને ભાઈચારા માટે સમાન નાગરિક સંહિતા ઘડવા એક પંચની રચના કરવામાં આવે.
4. રાજસ્થાનની મીણા જનજાતિના નેતા ડો. કિરોડીલાલ મીણાએ સમાન નાગરિક સંહિતના અધિકારોની તરફેણમાં એક ખાનગી બિલ રજૂ કરી ચૂક્યા છે. તેમણે વર્ષ 2022માં રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું.
5. ઉત્તરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા 06 ફેબ્રુઆરીના રોજ સમાન નાગરિક સહિંતા બિલની રજૂઆત કરવામાં આવી હતી.
કાયદા પંચ
કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા વર્ષ 2016માં યુનિફોર્મ સિવિલ કોડને લગતા મુદ્દાઓનો વ્યાપક અભ્યાસ કરવા માટે કાયદા પંચની રચના કરવામાં આવી હતી . કાયદા પંચે કહ્યું કે સમાન નાગરિક સંહિતાનો મુદ્દો મૂળભૂત અધિકારો હેઠળની કલમ 14 અને 25 વચ્ચેના સંઘર્ષથી પ્રભાવિત છે. કમિશને ભારતીય બહુલવાદી સંસ્કૃતિની સાથે મહિલાઓના અધિકારોની સર્વોપરિતાના મુદ્દા પર ધ્યાન દોર્યું હતું. પર્સનલ લો બોર્ડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને લો કમિશને કહ્યું કે મહિલાઓના અધિકારોને પ્રાથમિકતા આપવી દરેક ધર્મ અને સંસ્થાની ફરજ છે. કાયદા પંચના મતે, સમાજમાં અસમાનતાની સ્થિતિ ઉભી કરતી તમામ રૂઢિઓની સમીક્ષા થવી જોઈએ. તેથી, તમામ ખાનગી કાનૂની પ્રક્રિયાઓને સંહિતાબદ્ધ કરવાની જરૂર છે જેથી તેમને સંબંધિત પૂર્વગ્રહો અને સ્ટીરિયોટાઇપ્સ સામે આવે. વૈશ્વિક સ્તરે પ્રચલિત માનવ અધિકારોના પરિપ્રેક્ષ્યમાં, સાર્વત્રિક રીતે સ્વીકૃત વ્યક્તિગત કાયદાઓને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમજ, સમાજમાં સમાનતા સ્થાપિત કરવા માટે છોકરાઓ અને છોકરીઓની લગ્નની વય લઘુત્તમ ધોરણ તરીકે 18 વર્ષ નક્કી કરવાની ભલામણ કરવામાં આવી હતી.
સામાજિક અને રાજકીય સંગઠનોના સકારાત્મક પ્રયાસો
1. 1967 માં, ભારતીય જનસંઘે તેના ઢંઢેરામાં વચન આપ્યું હતું કે જો તે સત્તામાં આવશે, તો તે એક સમાન નાગરિક સંહિતા પસાર કરશે. જનસંઘે લગ્ન, દત્તક અને વારસા જેવા મુદ્દાઓ પર આ કાયદો બનાવવાની વાત કરી હતી.
2. વર્ષ 1972માં પુણેમાં મહારાષ્ટ્ર મુસ્લિમ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલકાતા, દિલ્હી, સુરત જેવા શહેરો સહિત મહારાષ્ટ્રની 150 જેટલી મહિલાઓએ તેમના મૂળભૂત અધિકારોના હિમાયતીઓની માંગ ઉઠાવી હતી.
3. 1974 માં, છ મુસ્લિમ શરણાર્થીઓનું પ્રતિનિધિમંડળ તત્કાલ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલ-અહમદને મળ્યું હતું. આ પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને અનુરોધ કર્યો હતો કે, મુસ્લિમ મહિલાઓને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહી છે. તેથી, ભારતના તમામ નાગરિકો માટે એક સમાન સંહિતા હોવી જોઈએ.
ભારત સહિત અન્ય દેશોમાં બહુપત્નીત્વ પરના કાયદા
ભારતીય મુસ્લિમોમાં બહુપત્નીત્વ પ્રચલિત છે. જો કે કેન્દ્ર સરકારે તેને ખતમ કરવાની ખાતરી આપી હતી. 21 ડિસેમ્બર, 1967ના રોજ, તત્કાલીન કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી ગોવિંદ મેનને લોકસભામાં કહ્યું, બંધારણની કલમ 44 અનુસાર, સરકાર ભારતમાં બહુપત્નીત્વની પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રયાસ કરશે.
ભારત અને અન્ય દેશોની સ્થિતિ
વિશ્વના મોટાભાગના આધુનિક દેશોમાં આવા કાયદા લાગુ કરેલા છે. જેમ કે, અમેરિકા, આયર્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન, ઇજિપ્ત જેવા ઘણા દેશો છે જેણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે.
ભારતમાં કોઈ સમાન નાગરિક સંહિતા નથી, પરંતુ ભારતમાં મોટાભાગના અંગત કાયદાઓ ધર્મના આધારે નક્કી કરવામાં આવે છે. હિંદુઓ, શીખો, જૈનો અને બૌદ્ધો માટે વ્યક્તિગત કાયદો છે, જ્યારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે તેમના પોતાના કાયદા છે. મુસ્લિમોનો કાયદો શરિયત પર આધારિત છે, જ્યારે અન્ય ધાર્મિક સમુદાયોના કાયદા ભારતીય સંસદના બંધારણ પર આધારિત છે.
આ પણ વાંચો : કેમ ફરીથી નીતિન ગડકરીની “પીડા” છલકાઈ? જાણો શું કહ્યું!