નેશનલ ડેસ્કઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે (NDA) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મુને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. મંગળવારે અહીં પાર્ટી હેડક્વાર્ટર ખાતે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુના નામની ઘોષણા કરતા ભાજપના વડા જેપી નડ્ડાએ કહ્યું કે, પહેલીવાર મહિલા આદિવાસી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘અમે દ્રૌપદી મુર્મુને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. જો તેઓ ચૂંટાય છે, તો 64 વર્ષીય દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી મહિલા હશે.’
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ કોણ છે?
દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ છે. તેઓ સંથાલ પરિવારના છે, જે આદિવાસી વંશીય જૂથ છે. ઓડિશાના આદિવાસી પરિવારમાં જન્મેલા દ્રૌપદી મુર્મુ ઝારખંડની નવમા રાજ્યપાલ બન્યાં હતાં.રાજકારણી હોવા ઉપરાંત, તેઓ અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી આવે છે. રાજ્યપાલ બનતા પહેલાં તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. એટલું જ નહીં, દ્રૌપદી મુર્મુ ઝારખંડના એવા પ્રથમ રાજ્યપાલ છે જેમણે વર્ષ 2000માં તેની રચના પછી પાંચ વર્ષનો કાર્યકાળ (2015-2021) પૂર્ણ કર્યો છે.
ઓરિસ્સામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, તે 6 માર્ચ 2000થી 6 ઓગસ્ટ 2002 સુધી વાણિજ્ય અને પરિવહન મંત્રી (સ્વતંત્ર હવાલો) હતી. આ સિવાય 6 ઓગસ્ટ 2002થી 16 મે 2004 સુધી તેઓ મત્સ્ય અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા.
મુર્મુએ પોતાની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી અને પછી ઓડિશાના રાજકારણમાં પ્રવેશ કર્યો. તે ભાજપની ટિકિટ પર મયુરભંજ (2000 અને 2009)માં રાયરંગપુરથી બે વખત ધારાસભ્ય રહ્યા હતા. તેમણે તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન પાર્ટીમાં અનેક મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. મુર્મુ 2013થી 2015 સુધી ભાજપ પાર્ટીના એસટી મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ હતા. તેમણે 1997માં કાઉન્સિલર તરીકે ચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે, તેઓ ભાજપના એસટી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા.
ભાજપ માટે દ્રૌપદી મુર્મુનું નામ કેમ ખાસ છે?
દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવીને ભાજપે એક તીરથી બે નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની હોવાથી ભાજપ આદિવાસીઓ પર ફોકસ કરી રહ્યું છે. આ રાજ્યોમાં આદિવાસીઓની સંખ્યા નોંધપાત્ર છે. આથી પાર્ટીના આયોજન માટે આદિવાસી મતદારો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે 64 વર્ષની દ્રૌપદી પણ મહિલા મતદારોને આકર્ષવામાં પાર્ટીને મદદ કરી શકે છે.
વિપક્ષે યશવંત સિંહાને પોતાના ઉમેદવાર બનાવ્યા
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. વિપક્ષી ઉમેદવાર તરીકે સિન્હાના નામની જાહેરાત બાદ હવે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈએ થવાનું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.