વાંચો મિત્રતાની મિશાલ ગણી શકાય તેવી કૃષ્ણ અને સુદામાની દોસ્તી વિશે, બાળપણના મિત્ર જોઈને ભગવાન બધું ભૂલી ગયા’તા
ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલઃ સુદામા શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર હતા. એવું માનવામાં આવે છે કે, સુદામાએ કૃષ્ણને મળવા અને તેમના કાર્યોમાં સંપૂર્ણ રીતે ભાગ લેવા માટે તૈયાર થવા માટે પૃથ્વી પર જન્મ લીધો હતો. તે ભગવાન વિષ્ણુના સાચા ભક્ત પણ માનવામાં આવે છે. સુદામા અને કૃષ્ણની વાર્તા પ્રેમ અને મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.
સુદામાનો જન્મ ઓછી આવક ધરાવતા પરિવારમાં થયો હતો, જ્યારે કૃષ્ણ રાજવી પરિવારમાં જનમ્યા હતા. જો કે, તેમની સ્થિતિ વચ્ચેનો તફાવત કોઈપણ રીતે તેમની સાચી મિત્રતા અથવા બંધનને અવરોધતો ન હતો. સુદામા અને કૃષ્ણ બંને અવિભાજ્ય હતા. આવો મિત્રતાના શુભ અવસર પર તેમને યાદ કરીએ…
સાથે અભ્યાસ પૂરો કર્યા પછી ઘણા વર્ષો સુધી કૃષ્ણ અને સુદામા એકબીજાને મળ્યા નહોતા. સુદામા હંમેશા તેમના ભગવાન કૃષ્ણના હૃદય-આત્મામાં હતા અને તેઓ ફરીથી મળ્યા ત્યાં સુધી તેમનો વિચાર કરતા રહ્યા હતા. ઘણાં વર્ષો પછી સુદામા કૃષ્ણને મળ્યા તે સમગ્ર ઘટના ખૂબ જ હૃદયસ્પર્શી અને અવિસ્મરણીય છે.
ભગવાન કૃષ્ણ અને સુદામા બાળપણના મિત્રો અને ગુરુકુળમાં એકબીજાની સાથે ભણતા હતા. ગુરુ સાંદીપનિના માર્ગદર્શન હેઠળ તેઓ અભ્યાસ કરતા હતા. તેમનું શિક્ષણ પૂરું થયા પછી તેઓ અલગ થઈ ગયા. પરંતુ કૃષ્ણ કે સુદામા બંને એકબીજાને ભૂલી શક્યા નહોતા.
કૃષ્ણ અને સુદામાનું કેવી રીતે મિત્ર બન્યાં?
એકવાર શ્રીકૃષ્ણે સુદામાને પૂછ્યું, ‘શું તમે મારા મિત્ર બનશો?’. ત્યારે સુદામા અચકાતા હતા કારણ કે તેને પોતાનો નીચો દરજ્જો લાગ્યો હતો. તેણે કહ્યું, ‘પણ હું તો ગરીબ બ્રાહ્મણ છું, અને તમે રાજવી છો, આપણે મિત્ર કેવી રીતે રહી શકીએ? મિત્રો જરૂરિયાતના સમયે એકબીજાને મદદ કરે છે, પરંતુ મારી પાસે હું તમને આપી શકું એવું કંઈ નથી!’. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, ‘મને વચન આપો કે ગમે તે હોય, આપણે હંમેશા મિત્ર રહીશું. હું તમારી પાસેથી ક્યારેય એવી વસ્તુ માંગીશ નહીં જે તમે મને આપી શકતા નથી.’ આ સાંભળીને સુદામાએ શ્રીકૃષ્ણની મિત્રતાની વાત સ્વીકારી લીધી!
સુદામાનું જીવન ગરીબીથી ભરેલું હતું
કૃષ્ણ અને સુદામા બંને મોટા થયા. સુદામા અને તેની પત્નીનું જીવન ગરીબીથી ભરેલું હતું. પરંતુ તે એક એવા હતા જે ધાર્મિક માર્ગને સમર્પિત હતા. લોકોને ધાર્મિક માર્ગ શીખવતા હતા અને તેથી તેઓને તેમના જીવનનો વાસ્તવિક અર્થ જણાવતા હતા. આ દરમિયાન ભગવાન કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા. જ્યારે સુદામા અને તેમનો પરિવાર ખૂબ ગરીબીથી પીડાતા હતા અને તેમના બાળકોને ખવડાવવા માટે પૈસા ન હતા ત્યારે તેમની પત્ની વસુંધરાએ સુદામાને તેમના બાળપણના મિત્ર કૃષ્ણની યાદ અપાવી હતી. તેમણે સુદામાને વિનંતી કરી કે, કૃષ્ણ પાસે જઈને થોડી મદદ માગી આવો. પરંતુ સુદામાએ માત્ર મદદ માટે જ મુસાફરી કરવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તે કૃષ્ણના સાચા ભક્ત હતા અને તેઓ ખરેખર એક શુદ્ધ અને આધ્યાત્મિક બ્રાહ્મણ હોવાથી પોતાને સ્વાર્થી અનુભવવા માંગતા નહોતા.
ત્યારે સુદામા અંતે જવા માટે રાજી થાય છે, કારણ કે પરિસ્થિતિ આગળ તેઓ કંઈ કરી શકે તેમ નહોતા. તેમણે એક પોટલીમાં તાંદુલ લીધા. કારણ કે તે જાણતા હતા કે કૃષ્ણને તાંદુલ અતિપ્રિય છે.
મિત્ર આવ્યાની જાણ થતા જ ભગવાને દોટ મૂકી
સુદામાએ દ્વારકાના રાજાના મહેલમાં પહોંચતા જ ભગવાન કૃષ્ણને મળવા માટે દરવાજાના દરવાનને અંદર જવા દેવા કહ્યું. તેણે એમ પણ કહ્યું કે કૃષ્ણ તેના બાળપણના મિત્ર છે. છતાં સૈનિકોએ તેમની સાથે ગાંડા જેવું વર્તન કર્યું. કારણ કે તેની હાલત એટલી ખરાબ હતી કે, તેના કપડાં પણ ફાટી ગયા હતા. પરંતુ તેણે સૈનિકોને વિનંતી કરી કે તેઓ કૃષ્ણને તેમના આગમન વિશે જાણ કરે. ઘણીવાર કહ્યા પછી, વિનંતીઓ કર્યા પછી સૈનિકોએ કૃષ્ણને સુદામા વિશે પૂછવાનું નક્કી કર્યું.
સૈનિકોએ કૃષ્ણને સુદામાના દ્વાર પર આગમન વિશે જણાવ્યું કે તરત જ ભગવાન કૃષ્ણ બધું છોડીને દ્વાર તરફ દોડ્યા. કારણ કે તેઓ તેમના મિત્ર સુદામાને જોવા આતુર હતા. કૃષ્ણ તેમના જૂના મિત્રની આવ્યાની વાત સાંભળીને ખૂબ ખુશ થયા હતા. તેમણે સુદામાની સામાજિક સ્થિતિનો પણ વિચાર કર્યા વિના ઘણા સમય સુધી બધાની આગળ રસ્તામાં તેને ગળે લગાવી રાખ્યો હતો. દરેકને જોઈને એટલો આઘાત લાગ્યો કે, ગરીબ બ્રાહ્મણ દ્વારકાના રાજા – ભગવાન કૃષ્ણનો મિત્ર છે’ ત્યારથી એમ કહેવાય છે કે, આ પૃથ્વી પર “મિત્રતા” શબ્દનો નવો પાયો નંખાયો હતો.
સુદામા ફક્ત ત્યાંથી જ પાછા ફરવા માંગતા હતા. કારણ કે તેઓ ઇચ્છતા ન હતા કે, કૃષ્ણ ફક્ત તેમના કારણે લોકો સમક્ષ અપમાનિત થાય. તેમ છતાં કૃષ્ણ તેમને રોકે છે અને તેમના સૈનિકોને મહેલમાં સુદામાનું સ્વાગત કરવા કહે છે. કૃષ્ણે સુદામાને પુષ્પોની વર્ષા કરીને ખૂબ પ્રેમથી આવકાર્યા. તેમણે પોતાના હાથથી સુદામાના પગ ધોયા. કૃષ્ણએ તેમની દાસીઓને સુદામાના બધા ફાટેલાં કપડાં ઉતારવા અને તેમને શાહી વસ્ત્રો આપવા કહ્યું. સુદામા તેમના મિત્ર કૃષ્ણ દ્વારા આવો શાહી વ્યવહાર જોઈને રડી પડ્યા હતા. પછી કૃષ્ણે સુદામાને જમવા બેસાડ્યા હતા.
ભોજન કર્યા પછી કૃષ્ણ અને સુદામા આરામ કરી રહ્યા હતા અને તેમના જૂનાં દિવસો વિશે વાત કરી રહ્યા હતા. કૃષ્ણે જોયું કે સુદામા તેમની પાસેથી કંઈક છુપાવી રહ્યા છે. કૃષ્ણએ હળવાશથી આ વિશે પૂછતા કહ્યું – મને લાગે છે કે ભાભીજીએ મારા માટે કોઈ ભેટ મોકલી છે. જેમાં મને સ્વાદિષ્ટ ખોરાક લાગે છે.’ તેમણે સુદામાને ભેટ બતાવવા વિનંતી કરી. સુદામા તેને છુપાવી રહ્યા હતા કારણ કે, તેને લાગ્યું કે આ નાની ભેટ દ્વારકાના રાજા માટે કંઈ નથી. પરંતુ કૃષ્ણે ભેટને સ્વીકારી, જે કાપડના ટુકડા સાથે બાંધેલા કેટલાક ચોખા હતા અને કૃષ્ણે ભેટ માટે વખાણ કર્યા કે, આ ભેટ તેમને તેમના જીવનમાં મળેલી શ્રેષ્ઠ ભેટ છે અને તેને ખાવાનું શરૂ કર્યું. સાથે જ પત્ની રુક્મિણીને પણ ચોખા ખવડાવ્યાં.
આમ, ઉપરની વાર્તા પરથી જાણી શકાય છે કે, ભગવાનને પણ મિત્રની જરૂર પડી હતી તો આપણે તો મનુષ્ય છીએ.