પ્રત્યાઘાત : ‘કનૈયાલાલના હત્યારાને ફાંસી આપો’ ડીસાના લોકોની માંગ
પાલનપુર: ઉદેપુરમાં દરજી કનૈયાલાલની કરાયેલી ઘાતકી હત્યાના બનાસકાંઠામાં પણ પડઘા પડ્યા છે. અહીંના દરજી સમાજે રેલી કાઢીને કનૈયાલાલના હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગણી કરીને ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે .
ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
સમગ્ર ભારતમાં ચકચાર જગાવનાર રાજસ્થાનના ઉદયપુર શહેરમાં દરજી કામ કરતાં કનૈયાલાલ દરજીનું વિધર્મીઓ દ્વારા ગળું કાપી હત્યા કરી દેવાતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના સમગ્ર ગુજરાતમાં ધેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્યારે શનિવારે ડીસા શહેરમાં સમસ્ત દરજી સમાજ એકતા પરીષદ દ્વારા નગરપાલિકા સામેથી વિશાળ રેલી યોજી વિવિધ સૂત્રોચાર સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં સમસ્ત દરજી સમાજના આગેવાનો દ્વારા સરકાર સમક્ષ કનૈયાલાલ દરજીનું વિધર્મીઓ દ્વારા ગળું કાપી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ઉદયપુર શહેરમાં દરજી કનૈયાલાલ દ્વારા નુપુર શર્માને સમર્થન કરી ભૂલથી તેમના દિકરા દ્વારા એક પોસ્ટ મુકવામાં આવી હતી. જે બાદ કેસ પણ થયો હતો. અને કનૈયાલાલ દરજી દ્વારા માફી પણ માંગી લીધી હતી. છતાં બે વિધર્મીઓ દ્વારા કનૈયાલાલ દરજીનું ગળું કાપી હત્યા કરી દેવાતાં સમગ્ર હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સમસ્ત દરજી સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડક કાર્યવાહી કરી ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી.