20 મે, મુંબઈ: RCB અને CSK વચ્ચે રમાયેલી દિલધડક મેચ બાદ જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે અંગે ફક્ત સોશિયલ મીડિયા અને મેઈન સ્ટ્રીમ મીડિયામાં જ નહીં પરંતુ ભૂતપૂર્વ ખેલાડીઓમાં પણ ચર્ચા છેડાઈ ગઈ છે. એક મત એવું કહે છે કે મહેન્દ્ર સિંહ ધોની મેચ પત્યા બાદ RCBના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા વગર ડ્રેસિંગરૂમમાં પરત થઇ ગયો હતો. જ્યારે બીજો મત એવું કહે છે કે RCBના ખેલાડીઓએ મેચ પત્યા બાદ તુરંત ઉજવણી શરુ કરી દીધી હતી અને આથી તેમની થોડી વાર રાહ જોયા પછી ધોની પેવેલીયનમાં પરત થઇ ગયો હતો.
ગઈકાલે વાયરલ થયેલા વિડીયોમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ધોનીએ RCBના ખેલાડીઓની આવવાની થોડીવાર રાહ જરૂર જોઈ હતી પરંતુ તેમની ઉજવણી પૂરી જ ન થતાં તે RCBના સપોર્ટ સ્ટાફ સાથે હાથ મેળવીને ઉપર જતો રહ્યો હતો. આ જ બાબતની ટીકા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને એક વેબસાઈટ સાથેની ચર્ચામાં કરી છે.
માઈકલ વોનનું કહેવું છે કે RCBના ખેલાડીઓએ પોતાની ઉજવણી થોડો સમય રોકી રાખીને મહેન્દ્ર સિંહ ધોનીને મળવા જવું જોઈતું હતું. વોનનું કહેવું છે કે આપણને બધાને ખબર છે કે મોટેભાગે ધોનીની આ છેલ્લી IPL સિઝન છે. આવામાં RCBએ ખેલદિલી દર્શાવવી જોઈતી હતી અને તેમણે ધોનીને શુભેચ્છાઓ પાઠવવી જોઈતી હતી.
વોને ચર્ચામાં કહ્યું, ‘RCB ટીમે આ ખોટું કર્યું છે. તેમણે ધોનીને શુભેચ્છાઓ પાઠવીને પછી ઉજવણી કરવા જેવી હતી. હવે તેમણે ધોનીને અંતિમ વિદાય આપવાની તક ગુમાવી દીધી છે.’
વોને આગળ કહ્યું હતું કે, ‘હું આ ખેલાડીઓની લાગણીને સમજી શકું છું. તેઓ પ્લેઓફ્સમાં સ્થાન પામવાની ક્ષણની ઉજવણી કરી રહ્યા હતા. પરંતુ આ ઉજવણીના ક્રમને ગોઠવવામાં તેઓ ભૂલ કરી બેઠા. તેમણે પોતાની ઉજવણી થોડો સમય રોકી રાખીને ધોનીને મળી લેવા જેવું હતું અને આમ ન કરીને તેમણે ભૂલ કરી છે.’
માઈકલ વોને નોંધ્યું હતું કે, ‘ધોની તેમની રાહ જોઈ રહ્યો હતો પરંતુ RCB ટીમ આખા સ્ટેડિયમમાં દોડી રહી હતી. તેમણે આમ ન કરીને તેમની જ રાહ જોઈ રહેલા ધોનીને મળવા માટે પોતાની ઉજવણી રોકી દેવાની જરૂર હતી. મહેન્દ્ર સિંઘ ધોની એક મોટો ખેલાડી છે અને તેના માટે RCBની ટીમે શાલિનતા દેખાડવાની જરૂર હતી.’