19 મે, બેંગલુરુ: IPLનો ઈતિહાસ કહે છે કે જ્યારે કરો યા મરોની સ્થિતિ હોય ત્યારે CSK ફાવી જતું હોય છે અને RCB કોઈ અકલ્પ્ય દબાણ હેઠળ આવીને હારી જતું હોય છે. પરંતુ ગઈકાલે આનાથી બિલકુલ ઉલટું થયું હતું. IPL 2024ના પ્લેઓફ્સમાં બચેલા એકમાત્ર સ્થાનને ભરવા માટે રમાયેલી મેચમાં બેંગલુરુએ ચેન્નાઈને હરાવ્યું હતું.
બેંગલુરુએ આ મેચ 18 રનના તફાવતથી કે પછી 18.1 ઓવરમાં ચેન્નાઈએ આપેલો કોઇપણ ટાર્ગેટ ચેઝ કરી લેવાનો હતો અને તો જ તે આગળના રાઉન્ડમાં જઈ શકે તેવી પૂર્વશરત આ મેચ અગાઉ નક્કી થયેલી હતી. આમ બંને ટીમો માટે આમ તો પરિસ્થિતિ સરખી જ હતી, પરંતુ બેંગલુરુમાં હાલમાં સતત વરસાદ પડી રહ્યો હોવાનું ધ્યાનમાં લેતાં ચેન્નાઈએ ટોસ જીતીને પહેલાં બોલિંગ લેવાનો નિર્ણય લીધો કારણકે તેને લીધે જો મેચ પૂરી ન રમાય તો ડકવર્થ-લુઇસના નિયમ હેઠળ તેને મેચનો ટાર્ગેટ સમજવામાં તકલીફ ન પડે.
મેચમાં વરસાદ આવ્યો પણ ખરો પરંતુ ફક્ત એક જ વખત અને ચિન્નાસ્વામી સ્ટેડિયમની વર્લ્ડ ક્લાસ ડ્રેનેજ સિસ્ટમે મેદાનને અમુક જ મિનિટમાં રમવા લાયક બનાવી દીધું અને પછી વરસાદ આવ્યો જ નહીં. જ્યારે વરસાદ આવ્યો ત્યારે કવર્સ લાવવામાં અને પીચ ઢાંકવામાં થોડી વાર થઇ એટલે પીચ ઉપર થોડું પાણી પડ્યું હતું. તેને કારણે બ્રેક પછીની ત્રણ ઓવરોમાં બોલ જબરદસ્ત સ્પિન થયો.
આ ત્રણ ઓવરો સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટ્સમેનોને ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોને ફટકારવામાં ખાસ તકલીફ ન પડી અને તેના તમામ બેટ્સમેનોએ પોતપોતાનું પ્રદાન આપીને ટીમને 218ના સ્કોર ઉપર લઇ ગયા. હવે વારો ચેન્નાઈનો હતો. ઉપરોક્ત પૂર્વશરતના આધારે ચેન્નાઈ માટે મેચ જીતવી જરૂરી ન હતી પરંતુ તેણે 201 રન કરીને પ્લેઓફ્સમાં ક્વોલીફાય થવાનું હતું.
પરંતુ, પહેલા જ બોલે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ આઉટ થઇ જતાં ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી. અત્યારસુધી જેણે સિક્સરોના ઢગલા કરી દીધા હતા તેવા શિવમ દુબેને રમવામાં ખૂબ તકલીફ પડી હતી. દુબેએ જેટલા બોલ વેસ્ટ કર્યા તે ચેન્નાઈને છેવટે ભારે પડી ગયા હતા. રચીન રવિન્દ્ર, અજીન્ક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીના અઢળક પ્રયાસો છતાં ચેન્નાઈ 201ના પહેલા ટાર્ગેટથી 11 રન દૂર રહી ગયું હતું. આમ એક દિલધડક મેચમાં બેંગલુરુએ ચેન્નાઈને હરાવ્યું તો ખરું જ પરંતુ તેને 201ના સ્કોરની નીચે રાખીને આ વર્ષના પ્લેઓફ્સમાં પોતાનું સ્થાન પાક્કું પણ કરી લીધું છે.